ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ એટલો મોટો હતો કે શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા

ડીસામાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટઃ ૨૧ શ્રમિકોના મોત -કેટલાક શ્રમિકો બે દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી મજુરી માટે આવ્યા હતા: કેટલાક મૃતદેહોની ઓળખવિધી હજી બાકી
ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા અંદર કામ કરી રહેલા ર૧ શ્રમિકોના મોત નીપજ્યા છે. જયારે અન્યની શોધખોળ ચાલુ છે તેથી મૃત્યુઆંક વધવાની દહેશત સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તથા અન્ય બચાવ ટુકડીઓ સ્થળ પર આવી પહોંચી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેકટરી ધરાશાયી થઈ ગઈ હતી. આ અંગે ઝીણવટભરી તપાસ કરવા સરકારે સીટ ની રચના કરી છે. જયારે પ્રત્યેક મૃતકોને રૂ.૪ લાખ અને ઈજાગ્રસ્તને રૂ.પ૦ હજારની સહાય સરકારે જાહેર કરી છે. ફેકટરીના માલિક પાસે ગોડાઉન માટેનું લાયસન્સ હતું તેની અવધી પણ પૂર્ણ થઈ ગઈ હતી.
બનાસકાંઠાના ડીસામાં પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ૧૮ શ્રમિકો બાદ વધુ ૩ શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક ૨૧ પર પહોંચ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે (1 એપ્રિલે) સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે, ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરનાં મોત થયા હતા. આ તમામના મૃતદેહ લેવા માટે બુધવારે વહેલી સવારે 5 વાગ્યે મધ્યપ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.
#Gujarat નાં બનાસકાંઠા જિલ્લાનાં ડિસામાં ફટાકડા ફેક્ટરીમાં લાગી આગ, 18 લોકોનાં થયાં મૃત્યુ
🔥ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી લાગી આગ, જેના લીધે ઈમારતને થયું નુકસાન
🔥ઈમારતનાં કાટમાળમાં ઘણાં શ્રમિકો ફસાયાં
#गुजरात #Banaskantha #FIRE #GujaratFactoryFire #death #Deesa #Boiler pic.twitter.com/GU0sUePlWR— AIR News Gujarat (@airnews_abad) April 1, 2025
બુધવારે સવારે 8:15 વાગ્યાની આસપાસ પોલીસ પાઇલોટિંગ સાથે મૃતદેહો લઇ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખૂબચંદના ભાઇ જગદીશ મોહનાનીની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
ડીસા દુર્ઘટનામાં સીટની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને સીટમાં સામેલ કરાયા છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને મંત્રી બળવંત સિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રીઓ અને અધિકારીઓને બેઠક યોજાઈ હતી. બીજી તરફ ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. ૨૦૦ મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે, કે ‘આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.’
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X’ પર લખ્યું છે કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.’
સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે ૧૭ વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા. ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુઃખ.’
જાણકારી અનુસાર ગોડાઉન માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી હતી છતાં ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવાઈ હતી. એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યો તેની તપાસ જરૂરી છે.