ભારત વિકાસ પરિષદ પાલડી શાખાના દત્તક ગામ બંધણામાં મેડિકલ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે ભારતભરમાં ૧૪૫૦ જેટલી શાખાઓ ધરાવતી રાષ્ટ્રવાદી અને સેવાભાવી માણસો થકી જરૂરિયાત મંદલોકોને અનેક પ્રકારની સામાજિક, શૈક્ષણિક અને મેડિકલ તથા અન્ય સહાય માટે કટિબદ્ધ ભારત વિકાસ પરિષદની અમદાવાદની પાલડી શાખાએ ભારત વિકાસ પરિષદ (bharat-vikas-parishad-paldi-branch) દ્વારા ચાલતી યોજનાઓ પૈકી ગ્રામ દત્તક યોજના અન્વયે વિજયનગરનું બંધણા ગામ દત્તક લીધેલ છે. સાંસ્કૃતિક ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે.
આજીવિકા તથા અન્ય જરૂરિયાત માટે આ ગામડાના લોકો શહેર તરફ દોટ ન મૂકે અને ગામડાઓનો વિકાસ થાય તેવા હેતુથી બંધણા ગામમાં પાલડી શાખા એ સ્થાનિક કાથોડી, ડામોર રબારી અને ભરવાડ સમાજના લોકોના જીવનમાં ક્રાંતિ લાવવા તથા તેમને પગપર કરવા માટે ત્યાં શૈક્ષણિક, સામાજિક અને મેડિકલ ક્ષેત્રે તમામ મદદ કરે છે. આ ગામોમાં જરૂરીયાતમંદ લોકોને મીઠો લીમડો, લીંબુ, સરગવો, દાડમ અને જામફળ જેવા વૃક્ષોના રોપા પણ આપ્યા છે. જેથી તેઓ તેનો ઉપયોગ કરી શકે અને વધુ પેદાશ થાયતો બજારમાં વેચી આવક પણ મેળવી શકે.ગામમા સોલાર સિસ્ટમ લગાવેલ છે.
ગામની પાયાની જરૂરિયાતો સ્વચ્છતા, પીવાનું પાણી, સ્વાસ્થ્ય, આવાસ, પર્યાવરણ વીજળી વિગેરે માટે મદદ કરે છે. સ્થાનિક યુવાન યુવતીઓને શિક્ષણમાં તેમજ નર્સિગના કોર્સ માટે સહાય તથા સગવડ કરી અપાય છે. અને તેમની અમદાવાદની હોસ્પિટલોમાં નોકરી માટે પણ સહાય કરાવેલ છે. બંધણા ગામને દત્તક લીધા પછી સમયાંતરે થતા મેડિકલ કેમ્પો અન્વયે તારીખ ૧૨ -૨- ૨૩ ને રવિવારના રોજ પાલડી શાખા દ્વારા સંસ્થાના વડીલ, ટ્રસ્ટી અને માર્ગદર્શક શ્રી દીનુકાકા તથા ડોક્ટર પરેશભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ મેડિકલ કેમ્પ યોજાયો હતો.
જેમાં બંધણા ગામ ઉપરાંત આસપાસના આતરસુબા આશ્રમ, શારણેશ્વર, અભાપુર તથા અન્ય ગામોના ૧૬૭ જેટલા લોકોએ મેડિકલ ચેકઅપ કરાવી દવાઓ મેળવી હતી. આ કેમ્પમાં ડૉ. પરેશ પરીખ, ડૉ. આશિષ સક્સેના, ઈએનટી ડૉ. પીઆર ઠાકોર, ડૉ. આસ્થા ત્રિવેદી, ડૉ. રાકેશ સોની ,ડો મૌલિક પટેલ, પારુલ બેન પરીખ, સિસ્ટર સયાના, સિસ્ટર મનીષા, ફાર્માસિસ્ટ સાહિલ, વીણાકાકી, નિર્લેપભાઈ પટેલ, કર્નલભાઈ તથા બંધણા ગામના યુવા પાંખના સોનુભાઈએ હાજર રહી સેવાઓ આપી હતી.