Western Times News

Gujarati News

મેડીકલ સ્ટોરના માલિક કરી રહ્યા હતા નશાકારક કફ સીરપનું વેચાણ

પાલેજમાં કફ સીરપની બોટલોના જથ્થા સાથે મેડીકલ સ્ટોરના માલિકની ધરપકડ

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના પાલેજમાં નશાકારક કફ સીરપનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી દુકાન અને ઘરમાં તલાશી લેતા ૫૧૦ નંગ નશાકારક કફ સીરપની બોટલ મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી પોણા એક લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાલેજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના અનુસાર પાલેજના જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન મુબારક પટેલ પોતાના ઘરે જ દુકાન મકાનમાં ગેરકાયદેસર નશાકારક કફ સીરપ નું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પાલેજ પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈએ પોતાની ટિમ સાથે રિઝવાન પટેલની દુકાન અને ઘરમાં તપાસ કરતા દુકાનમાં આગળના ભાગે આવેલ કાઉન્ટરની નીચે એક પ્લાસ્ટિકના બોક્સમાં ૩૦ નંગ કફ સીરપ બોટલ મળી આવી હતી.જે ભૂરા કલરના સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ વધુ તપાસ કરતા રિઝવાન પટેલના ઘરની અંદર બાથરુમ આવેલ છે અને તેની દીવાલને અડીને આવેલ બેડરૂમમાં પણ તપાસ કરવામાં આવતા દરવાજા પાસે ખાખી પુઠ્ઠાનું બોક્સ મળી આવ્યું હતું.જેમાં નશાકારક સીરપની ૧૨૦ નંગ પ્લાસ્ટિકની બોટલ મળી આવી હતી. વધુ તપાસ કરતા ઘરના રૂમ માંથી સેટી પલંગની બાજુ માંથી પણ ખાલી બોક્સ મળી આવ્યા હતા.

તથા ૩ બોક્સ માર્કર પેનથી સુરત લખેલા માર્કના પ્લાસ્ટિકની સેલોટેપ લગાડેલી મળી આવેલા હતા.સાથે મકાનના બીજા માળે પાણીની ટાંકી નજીક પણ તપાસ કરતા વધુ કફ સીરપની બોટલો બહારના ભાગેથી મળી આવતા કુલ ૫૧૦ નશાકારક બોટલો મળી આવતા ૭૫,૯૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઘટના સ્થળ ઉપરથી પોલીસે આરોપી રિઝવાન મુબારક પટેલ રહે.જહાંગીર પાર્ક પાલેજની પૂછપરછ કરતા

પાલેજ પોલીસ લાઈન સામે આવેલ ડિવાઈન મેડિકલ સ્ટોર ચલાવતા સુરતના કતારગામના રહેવાસી ભાવેશ મથુરભાઈ ખિચડીયા પાસેથી વેચાણ કરવા માટે લાવતો હતો

અને કોડેઈન નશાકારક કફ સીરપની બાટલીઓ પોતાના આર્થિક લાભ માટે નશાના બંધાણીને આપતો હોવાનું જણાવતા પોલીસે રિઝવાન મુબારક પટેલ રહે.જહાંગીર પાર્ક પાલેજ અને મેડિકલ ચલાવતો ભાવેશ મથુરભાઈ ખિચડીયા રહે.કતારગામ સુરતનાઓની ધરપકડ કરી એ.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રિઝવાન પટેલ વધુ રૂપિયા કમાવવા માટે નશાનો કારોબાર ચાલતો હોવાની બાતમી મળી હતી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.

જેમાં દુકાન માંથી નશાકારક કફ સીરપની ૩૦ બોટલ મળી આવતા દુકાન અને ઘરમાં ખૂણે ખૂણે તપાસ કરતા કુલ ૫૧૦ નંગ નશાકારક કફ સીરપની બોટલો મળી આવી હતી.જેના પગલે પાલેજના અને સુરતના મળી બે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને નશાકારક કફ સીરપની બોટલો ક્યાં ક્યાં આપવામાં આવે છે તે અંગેની માહિતી મેળવાની તજવીજ હાથધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.