ટી-શર્ટ પર ગેમ ઓવર લખી મેડિકલની છાત્રાએ જીવન ટૂંકાવી લીધું
સુરત, તાજેતરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલના વિદ્યાર્થીએ કરેલા આપઘાતના પડઘા રાજ્ય સહિત દેશભરમાં પડ્યા હતા. હવે સુરતમાં વધુ એક ઘટના બની છે કે જેમાં મેડિકલની વિદ્યાર્થિનીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. યુવતીએ પોતાના ઘરમાં જ બપોરમાં જ જીવન ટૂંકાવી દીધું હતું. પ્રાથમિક રીતે આ આપઘાત પાછળ વિદ્યાર્થિના અભ્યાસના તણાવનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ સિવાય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે વધુ તપાસ કરીને સામે લાવવાના પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું ત્યારે તેણે જે ટી-શર્ટ પહેર્યું હતું તેના પર ‘ગેમ ઓવર’ લખેલું હતું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી વિગતો પ્રમાણે સુરતના જહાંગીરપુરા વિસ્તારની મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરેલા આપઘાતે સૌ કોઈને હચમચાવી દીધા છે. ૨૦ વર્ષની જાનવી દિલીપભાઈ પટેલ નામની વિદ્યાર્થિની કિમમાં આવેલી કૉલેજના બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. જેને હાલમાં એટીકેટી આવતા તેણે તણાવમાં આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
જાનવી નામની વિદ્યાર્થિની સોમવારે ઘરે હતી ત્યારે તેણે બપોરના સમયે અંતિમ પગલું ભરી લીધું હતું. જ્યારે પરિવારના સભ્યો ઘરે આવ્યા તો તેમને જાનવીને જાેઈને ભારે આઘાત લાગ્યો હતો. જાનવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. આ પછી પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.મળતી વિગતો પ્રમાણે આ અંગે જહાંગીરપુરા પોલીસે જણાવ્યું છે કે જાનવી પટેલના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં તેમણે તાજેતરમાં આવેલી એટીકેટી આવી હોવાના કારણે તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે. જેના લીધે તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.