Western Times News

Gujarati News

દોહામાં આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક યોજાઈ

દોહા, લેબેનોનમાં તબાહી અને ઈરાન સાથે ઘર્ષણ કર્યા બાદ ઈઝરાયેલ પર મોટી મુસીબત આવવાની સંભાવના જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ યુદ્ધની આશંકાના પગલે દોહામાં આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

આ બેઠક ઈરાનને આશ્વાસન આપવા માટે યોજાઈ હતી, જેમાં આરબ દેશોએ તેહરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં તટસ્થ રહેવાનો નિર્ણય લીધો છે.

આરબ દેશોએ આશંકા હતી કે, આ ક્ષેત્રમાં સંઘર્ષ વધવાથી તેમની ઓઈલ સુવિધાઓ જોખમમાં આવી શકે છે. આરબ દેશોનો આ નિર્ણય ઈઝરાયલ માટે એક ઝટકા તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલા એપ્રિલમાં ઈરાને હુમલો કર્યા બાદ આરબ દેશોએ ઈઝરાયેલનું સમર્થન કર્યું હતું.

મીડિયા અહેવાલોમાં બે સૂત્રોને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, કતાર દ્વારા આયોજિત એશિયાઈ દેશોની બેઠકમાં ભાગ લેનારા ગલ્ફ આરબ દેશો અને ઈરાનના મંત્રીઓએ તણાવ ઘટાડવા પર તેમની પરસ્પર વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પહેલી ઓક્ટોબરે ઈરાને ઇઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો.

ઈરાનની રાજધાની તહેરાને આ હુમલાને ઈઝરાયેલના હમાસ અને હિજબુલ્લાહના વરિષ્ઠ નેતાઓની હત્યા તેમજ ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલની કાર્યવાહીનો બદલો ગણાવ્યો હતો.તહેરાને કહ્યું છે કે, અમારા તરફથી વળતો જવાબ આપી દેવાયો છે. જોકે ઇઝરાયેલ કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો તેને ફરીથી નિશાન બનાવવામાં આવશે.

ઈરાને ગલ્ફ ઓઈલ ક્ષેત્રો પર હુમલો કરવાની ધમકી આપી નથી, પરંતુ તેણે ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલને સીધુ સમર્થન અપાશે તો આ ક્ષેત્રમાં નિશાન બનાવાશે.

બીજીતરફ ઇઝરાયેલે ઈરાનના હુમલાનો જોરદાર જવાબ આપવાની તૈયારીમાં હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકી મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ જવાબી કાર્યવાહીમાં ઈરાનની અંદર તેલ ઉત્પાદન ક્ષેત્રોને નિશાન બનાવી શકે છે.

રેડ ક્રોસ ઈજાગ્રસ્તોની મદદ કરવા અને જીવન બચાવવા માટે લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે. લેબનોન પર ઈઝરાયેલના હુમલામાં દરરોજ ડઝનથી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, લેબનોનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ આરોગ્ય કર્મચારીઓના મોત થયા છે. જ્યારે કેટલાક આરોગ્ય કર્મચારીઓ બોમ્બ ધડાકાને કારણે ડ્યુટી પર આવી શકતા નથી અને પોતાના કામના સ્થળેથી ભાગી ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.