દાણીલીમડામાં શ્વાનને મારતાં આધેડ પર તલવારથી હુમલો
અમદાવાદ, દાણીલીમડા વિસ્તારમાં ભસતા શ્વાનને મારવા જતાં એક આધેડ અને તેના ભાણેજ પર મહિલા અને તેના બે પુત્રોએ લોખંડની પાઇપ, તલવારથી હુમલો કર્યાે હોવાની ઘટના બની હતી. પોલીસે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે મહિલા અને તેના બે પુત્રો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દાણીલીમડામાં રહેતા સદામ સૈયદ સિલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રીના સમયે તેઓ ઘરે જતા હતા ત્યારે શાહઆલમ મસ્જિદ પાસે પહોંચતા ગલીમાંથી એકાએક શ્વાને ભસવાની શરૂઆત કરી હતી. આથી તેને ભગાડવા માટે લાકડાનું ઠોયું લઇને તેની પાછળ દોડ્યા હતા.
એટલામાં સાહિનબેન ત્યાં આવીને શ્વાનને મારશો નહીં, એ અમારું શ્વાન છે એમ કહી ગાળો આપીને ઝઘડો કર્યાે હતો. આથી સદામની બંને બહેનો આવીને સાહીનબેનને સમજાવવા હતા. ત્યાં તેમના બંને પુત્રો સોહિલ અને અરબાઝ હાથમાં પાઇપ અને તલવાર લઇને આવ્યા હતા અને મારી માતા સાથે કેમ ઝઘડો કરો છો કહીને સદામને માર મારવા લાગ્યા હતા. તેમજ તલવારનો ઘા પણ માર્યાે હતો.
જેથી સદામનો ભાણેજ ફરમાન ત્યાં આવતા બંનેએ તેને પણ લોખંડની પાઇપથી ફટકાર્યાે હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે સદામે ત્રણેય સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.SS1MS