Western Times News

Gujarati News

વટવામાં મોબાઇલ ચોર યુવકને ટોળાએ ઢોર માર મારી પતાવી દીધો

અમદાવાદ, વટવાના દુર્ગાનગર નજીક આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે એક યુવકની લાશ મળી આવી હોવાની જાણ સ્થાનિક પોલીસને કંટ્રોલ રૂમ તરફથી મળી હતી. તપાસ કરવા ગયેલી વટવા પોલીસને જાણવા મળ્યું કે મરણ જનાર યુવક રાજ ડબગર (ઉં.૨૨)ને ટોળાએ હિંસક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ટોળામાં આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા.

વધુ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક મોબાઈલ ચોરીને નાસી રહ્યો હતો તેથી લોકોએ તેને પકડીને ઢોર માર મારીને મોંઢાના ભાગે, પગના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે ૭ શંકાસ્પદ શખ્સને વટવા પોલીસ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવીને વધુ તપાસ આરંભી છે.

વટવા વિસ્તારમાં આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે કેટલાક શખ્સોનું ટોળું એક યુવકને ઢોર માર મારી રહ્યું હતું. આ જોઇને સ્થાનિક દુકાનદારને લાગ્યું કે લોકો ઝઘડો કરી રહ્યા છે. માટે દુકાનદારે ટોળાને આગળ જઈને ઝઘડો કેમ કરો છો તેમ કહ્યું હતું. ત્યારબાદ ટોળામાં રહેલા શખ્સો યુવકને ટીંગા ટોળી કરીને થોડે દૂર વટવા બ્રિજની નીચે લઇ જઈને ઢોર માર મારી રહ્યા હતા.

મોબાઈલ ચોરી કરી હોવાના આરોપસર ટોળાના લોકોએ રાજ ડબગરને એટલી હદે મેથીપાક ચખાડ્યો કે તે અર્ધબેભાન હાલતમાં જમીન પર પટકાઈ પડ્યો હતો. રાજ બેભાન થઈ જતા જોઇને ટોળાના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ સમયે અન્ય સ્થાનિકે પોલીસને જાણ કરતા વટવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા યુવકનુ મૃત્યુ નીપજી ચૂક્યાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તપાસ શરૂ કરી હતી.

બીજીતરફ મૃતક યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસ કરી રહેલી વટવા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એ.બી.ગંધાની ટીમે ઘટનાના પગલે ૭થી વધુ શખ્સોની રાઉન્ડઅપ કરીને ગુનામાં સંડોવાયેલા વધુ આરોપીઓની તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.