એક મહિના સુધી ચાલેલી ઇન્ડિયન વિમેન્સ લીગ (IWL)નું સમાપન
ગોકુલમ કેરળ અને કિકસ્ટાર્ટ કર્ણાટક વચ્ચે ફાઈનલનો જંગ
ઇન્ડિયન ઓલમ્પિક એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ કલ્યાણ ચૌબે અને જી.એસ.એફ.એ. પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી (GCFA President) ટ્રાન્સસ્ટેડિયા ખાતે ફાઈનલ મુકાબલા તથા એવોર્ડ સમારંભની શોભા વધારશે
અમદાવાદ: અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) ની યજમાનીમાં 26 એપ્રિલ, 2023થી આયોજીત હીરો ઈન્ડિયન વિમેન્સ લીગ 2022-23નું હવે આગામી 21મી મે, 2023ને રવિવારના રોજ સમાપન થવા જઈ રહ્યું છે. ‘A Month Long Indian Women’s League to Conclude on Sunday’
શાહીબાગ પોલીસ સ્ટેડિયમ તેમજ ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા ખાતે યોજાયેલી શ્રેણીબદ્ધ લીગ મેચો તથા નોકઆઉટ મુકાબલાઓ બાદ, હવે રવિવારે ટ્રાન્સસ્ટેડિયા ખાતે ફાઈનલ મુકાબલો તેમજ ત્યારબાદ એવોર્ડ સમારંભ યોજાઈ રહ્યો છે.
ગઈકાલે યોજાયેલા સેમીફાઈનલ મુકાબલાઓમાં વિજેતા બનેલી ગોકુલમ કેરળ ફૂટબોલ ક્લબ તથા કિકસ્ટાર્ટ કર્ણાટક ફૂટબોલ ક્લબ ફાઈનલમાં ટકરાનારી ટીમો તરીકે ઉભરી આવી છે. આ ફાઈનલ મેચ સાંજે 6 વાગ્યે ફ્લડ-લાઈટથી ઝળહળતા ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે. ફાઈનલ મેચ બાદ આ જ સ્થળે એવોર્ડ સમારંભ પણ યોજાશે.
ઈન્ડિયન ઓલમ્પિક એસોસિયેશન (IOC) ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી અજય પટેલ, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રેસિડેન્ટ શ્રી કલ્યાણ ચૌબે તથા રાજ્યસભાના સાંસદ તેમજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) ના પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણી આ ફાઈનલ મુકાબલો નિહાળશે તેમજ એવોર્ડ સમારંભની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ફાઈનલ મુકાબલા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
અમદાવાદના ફૂટબોલ ચાહકો માટે આ એક મહોત્સવ સમાન ટુર્નામેન્ટ હતી કારણ કે આ પહેલીવાર અમદાવાદ, ગુજરાત ખાતે IWLનું આયોજન કરાયું છે. GSFAના ફૂટબોલ ખેલાડીઓ તેમજ અધિકારીઓની આખી ફોજે સ્વયંસેવક તરીકે ખડેપગે રહીને આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 16 ટીમના 400 જેટલા ખેલાડીઓ તથા અધિકારીઓનો આતિથ્ય સત્કાર કર્યો હતો,
જેઓ દેશભરમાંથી અમદાવાદ આવ્યા હતા અને બે ભિન્ન સ્થળે 63 જેટલી મેચોને સંચાલિત/સંકલિત કરવામાં સહભાગી થયા હતા. આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં GSFAને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)- તથા અન્ય સરકારી, બિન-સરકારી સંસ્થાઓ-વિભાગો તથા અધિકારીઓ તરફથી અદભુત સહયોગ મળ્યો હતો.
આ ટુર્નામેન્ટનું તેના નિયમોના માળખાની અંદર રહીને સફળતાપૂર્વક આયોજન પાર પડે તે સુનિશ્ચિત કરવા AIFF નિરીક્ષકો/ અધિકારીઓ પણ અમદાવાદમાં જ ખડેપગે રહ્યા હતા.