કચ્છમાં ટ્રેક ઓળંગતાં માતા-બે પુત્રોના ટ્રેન અડફેટે મોત
ભૂજ, કચ્છના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે ગત રાત્રે રેલવે ટ્રેક ઓળંગતો શ્રમજીવી પરિવાર કચ્છ એક્સપ્રેસ ટ્રેનની હડફેટે ચડી આવી ગયો હતો. આ ઘટનામાં પતિની નજર સામે પત્ની અને બે પુત્રોના મોત થયાં હતાં. આ ઘટનાની માહિતી મળતાં રેલવે સ્ટાફ સહિતનાઓ મદદે દોડી ગયા હતા.
ગાંધીધામથી નીકળેલી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભચાઉ તરફ આગળ વધી રહી હતી. એ જ સમયે ભીમાસર પાસે એક પરિવાર રેલવે ટ્રેકને ઓળંગી રહ્યો હતો. દરમિયાન ટ્રેન આવી પહોંચતા પરિવારના સભ્યો હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચી હતી.
જેમાં પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં.આ મામલે ગાંધીધામ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અંજાર પાસેની વેલસ્પન કંપનીમાં શ્રમકાર્ય કરતું દંપતી ગત રાત્રે બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામેથી પાલનપુરવાળી ટ્રેનથી પરત ફર્યું હતું અને ભીમાસર રેલવે સ્ટેશન પર ઊતર્યું હતું.
પ્લેટફોર્મ ઊતરી શ્રમજીવી પરિવાર સામે તરફ જવા ટ્રેક ઓળંગતો હતો, ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ઘટના બની હતી. કચ્છ એક્સપ્રેસ ટ્રેનની ઠોકરે પરિવાર ચડી જતા ૩૦ વર્ષીય જનતાબેન જગતાભાઈ, નવ વર્ષનો પુત્ર મહેશ અને માતા પાસે રહેલા બે માસના પુત્ર પ્રિન્સનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું, જ્યારે આગળ ચાલતા પતિનો બચાવ થયો હતો.SS1MS