હત્યાના આરોપી દર્શનના જીવન આધારિત ફિલ્મ બનાવવાની હિલચાલ
મુંબઈ, કન્નડ ફિલ્મ સ્ટાર દર્શનની હત્યા કેસમાં ધરપકડ બાદ હજુ જામીન મળ્યા નથી. સોશિયલ મીડિયાથી અંગત જીવનમાં દખલ કરનારા ફેનની હત્યા કરાવી હોવાનો દર્શન પર આરોપ છે.
દર્શનની નિકટની મિત્ર પવિત્રા ગૌડાને મૃતક રેણુકા સ્વામીએ અભદ્ર મેસેજ કર્યા હતા અને તેનાથી ગુસ્સે ભરાઈ દર્શને હત્યા કરાવી હોવાનો આરોપ છે. ફિલ્મી સ્ટોરીની ટક્કર મારે તેવો આ કેસ હોવાથી સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ રહી છે ત્યારે દર્શનના જીવન આધારિત ફિલ્મ બનાવવા માટે ઈન્ડસ્ટ્રીના ઘણાં લોકોને રસ પડ્યો છે.
દર્શન મર્ડર કેસ સંબંધિત ફિલ્મોના ટાઈટલમાં ડી-ગેંગ, પટ્ટાનગર શેડ અને કૈદી નં ૬૧૦૬ની મંજૂરી માગવામાં આવી હતી. દર્શનને કેટલાક લોકો ડી-બોસ તરીકે ઓળખાવે છે, તેથી ડી-ગેંગ નામથી ફિલ્મ બનાવવાની હિલાચાલ છે. પટ્ટાનગર શેડ નામની જગ્યાએ મર્ડર થયું હતું, જ્યારે દર્શનને જેલમાં કાચા કામના કેદી તરીકે અપાયેલો નંબર ૬૧૦૬ છે.
આમ દર્શનની ઓળખને પહેલી નજરે જ સ્થાપિત કરે તેવા નામ સાથે ફિલ્મ બનાવવાની હિલચાલ ચાલી રહી છે. રોકી સોમિલ નામના ફિલ્મ મેકરે ડી-ગેંગ ટાઈટલ રજિસ્ટર્ડ કરાવવા ફિલ્મ ચેમ્બર સમક્ષ માગણી કરી છે. તેમનો દાવો છે કે, બે વર્ષથી તેઓ આ ટાઈટલ સાથે ફિલ્મ બનાવવા માગતા હતા અને એક ગીત પણ શૂટ થયેલું છે.
દર્શનની એરેસ્ટ બાદ તેઓ આ વિષય પર ફિલ્મ બનાવવા માગે છે અને તેથી અન્ય કોઈ વ્યક્તિ પહેલાં તેઓ આ ટાઈટલ લેવા માગે છે. જો કે ફિલ્મ ચેમ્બર્સે દર્શન સાથે સંકળાયેલા ફિલ્મના ટાઈટલ માટે મંજૂરી આપવા ઈનકાર કર્યાે છે. આ કેસની હજુ તપાસ ચાલી રહી છે અને મામલો કોર્ટમાં પડતર છે. તેથી તેના પર ફિલ્મ બનાવવાની ઉતાવળ ન કરવી જોઈએ, તેવું ચેમ્બર્સ માને છે.
બીજી બાજુ ફિલ્મ મેકર્સ પોતે મોડાં ન પડી જાય તેની ચિંતામાં ટાઈટલ મેળવવા ઉતાવળ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રેણુકા સ્વાનીની હત્યાના આરોપમાં ૧૧ જૂને દર્શન, પવિત્રા ગૌડા સહિત અન્યોની ધરપકડ થઈ હતી. ચાર જુલાઈ સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવા કોર્ટે આદેશ આપ્યો છે.SS1MS