સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત પૌરાણિક શિવાલય
અમદાવાદ, ગુજરાતમાં અનેક શિવભક્તો રહે છે તેમજ ગુજરાતમાં અનેક પૌરાણિક શિવાલયો પણ આવેલા છે, મહાશિવરાત્રી, શ્રાવણ માસ તેમજ સોમવારના દિવસે અહીં ભક્તોની ભીડ જામતી હોય છે. આણંદમાં પણ ઘણા શિવાલયો આવેલા છે, જે ઐતહાસિક તેમજ પૌરાણિક છે. આવું જ એક પૌરાણિક શિવમંદિર આણંદના જીતુડીયા ગામમાં આવેલું છે. આ શિવમંદિરનું નામ વૈજનાથ મહાદેવ મંદિર છે.
આણંદમાં સ્થિત આ મંદિર પોતાની અંદર ખૂબ જ જૂનો ઇતિહાસ સંઘરીને આજે પણ અડીખમ ઊભું છે. આ મંદિર પાટણના યશસ્વી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું જે તે સમયે વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલ આક્રમણમાં આ મંદિરને બચાવવા માટે ૨૦૦થી પણ વધારે ગોસ્વામી સમુદાયના વીરોએ બલિદાન આપ્યું હતું. જેનો પૂરાવા સમાધિરૂપે આજે પણ મંદિર પાસે જોવા મળે છે.
આ મંદિર અંગે વર્ષોથી પેઢી દર પેઢી સેવા કરતાં ગોસ્વામી પરિવારના મહંત ભીષ્મપુરી તિલકપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિર આણંદ જિલ્લાના જીતોડિયા ગામમાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈતિહાસ પ્રમાણે વિક્રમ સવંત ૧૨૧૨માં સિદ્ધરાજ જયસિંહના રાજ સમયે તેમના દ્વારા જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવ્યું હતું. તે સમયે આ મંદિરનું બાંધકામ પથ્થર ચુના અને માટીથી કરવામાં આવ્યું હતું.
આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. આ ઉપરાંત, આ મંદિરને બચાવવા માટે અનેક ગોસ્વામીએ પોતાનો જીવ આપ્યો છે. જે તે સમયે ભારતના વિવિધ મંદિર જેમકે, સોમનાથ જેવા મહત્વના મંદિર ઉપર વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે ગુજરાતનું આ મંદિર પણ ખૂબ જ મહત્વનું હોવાથી આ મંદિર પર વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું.
આ મંદિરને જમીનદોસ્ત થતા બચાવવા માટે તે સમયના ગોસ્વામી પરિવારના લોકોએ લડત આપીને બલિદાન આપ્યું હતું. આ મંદિરને બચાવવા માટે ૨૦૦થી ૨૫૦ જેટલા ગોસ્વામી સંતો અને મહંતોએ પોતાનું બલિદાન આપ્યું હતું. આજે પણ મંદિર પાસે તેમની સમાધિ તેમના બલિદાનની સાક્ષી પુરાવી રહી છે.
આ અંગે પૂજારીએ જણાવ્યું હતું કે, તેમના વડવાઓએ જણાવ્યા મુજબ તેમજ પ્રચલિત ઇતિહાસ મુજબ, જે તે સમયે આ જગ્યાએ જંગલ વિસ્તાર હતો, એક સ્થળ ઉપર ગાયના દૂધનો અભિષેક જાતે જ થઈ જતો હતો. આ જગ્યાએ ખોદકામ કરતાં સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું.
આ વાતની જાણ રાજા સિદ્ધરાજ જયસિંહને થતા તેમના દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ પણ ગોસ્વામી દ્વારા આપવામાં આવેલ બલિદાન થકી આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે, આ વસ્તુ તે સમયના ઇતિહાસને તેમજ ધર્મ પ્રેમને ઉજાગર કરે છે.SS1MS