ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
ગાંધીનગર, ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. જેમાં ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશીપ એગ્રીમેન્ટ કરાયા હતા.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આ એગ્રીમેન્ટની મુખ્યમંત્રી અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરે પરસ્પર આપ-લે કરી હતી. જે કરાર સંપન્ન થયા છે તેમાં (૧) શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (૨) અમદાવાદ અને હમામાત્સુ (૩) શહેરો વચ્ચે આપસી સરકાર માટેની દરખાસ્ત (૪) વર્સેટાઇલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ માટે એમઓયુ અને (૫) સુઝુકી મોટર કોર્પાેરેશન તથા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે સમજૂતિ કરાર (એમઓયુ)નો સમાવેશ થાય છે.
ગુજરાત સરકાર માને છે કે, આ કરારથી વેપાર, વાણિજ્ય, ટેકનોલોજી, નવીનતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ પ્રવાસન જેવા ક્ષેત્રોમાં એકબીજાના સામર્થ્યનો લાભ મળશે. આ કરાર બન્ને દેશોની ક્ષમતાઓ માટે પૂરક બની વિવિધ ક્ષેત્રોમાં સહભાગિતાની સંભાવનાઓ ઊભી કરશે.
અમદાવાદના પતંગોત્સવની અને હમામાત્સુમાં યોજાતા પતંગોત્સવની લોકપ્રિયતાની સામ્યતા વર્ણવી મુખ્યમંત્રીએ આગામી ઉત્તરાયણ ઉત્સવમાં જોડાવા જાપાનીઝ પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવ્યું હતુ. જ્યારે, શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નર સુઝુકી યાસુતોમોએ મુખ્યમંત્રી પટેલને શિઝુઓકા-જાપાનની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ તથા અમદાવાદ અને હમામાત્સુ શહેર (શિઝુઓકા) વચ્ચે મૈત્રી કરાર દ્વારા આજે બંને દેશો વચ્ચે એક નવી સહભાગિતાની યાત્રા શરૂ થઇ છે. જાપાનીઝ કંપનીઓ સૂઝૂકી મોટર્સ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ, મિત્સુબિશી, ટોયોટાનું યોગદાન ખૂબ જ અગત્યનું છે.
માંડલમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. જાપાને શરૂઆતમાં પાંચ કંપનીઓ શરૂ કરી હતી. આજે ગુજરાતમાં લગભગ ૩૫૦થી વધુ જાપાનીઝ સંસ્થાઓ તથા કંપનીઓ કાર્યરત છે.SS1MS