Western Times News

Gujarati News

આણંદમાં 150 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ બનશે

મુખ્યમંત્રીના હસ્તે ર૭૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ અપાઈ

આણંદ, આણંદને રૂ. ૨૭૦ કરોડના ૨૨ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યમંત્ર સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રજાસેવા માટે સુશાસન જરૂર છે અને ગુજરાતમાં સુશાસનનો માર્ગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રશસ્ત કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું કે, જનસેવા માટે સુશાસન કેવી રીતે સ્થાપી શકાય એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશદુનિયાને બતાવ્યું છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે લોકો વિકાસ કામો માટે રૂ. ૫ કે રૂ. ૧૫ લાખ કામોથી જ સંતોષ માનતા હતા. આજે રૂ. એક કરોડની માતબર રકમનું કામ પણ નાનું લાગવા માંડ્‌યું છે. આ ગુજરાતના વિકાસની પરિસીમા અને લોકોની વિકાસ માટેની અપેક્ષા દર્શાવે છે. જે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.

મુખ્યમંત્રીશ્રીએ આણંદના નાગરિકોની સર્વાંગીણ સુખાકારીના રૂ. 270 કરોડના ૨૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કામોથી આણંદ જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ મળવાની છે.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા વિકાસનો મજબૂત પાયો નાખી ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે, એમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આજે તમામ ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં માર્ગો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ઉદ્યોગ સહિતના ક્ષેત્રો વિકાસની નવી ઉંચાઇ આંબી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ગ્રામ્યસ્તર સુધી આરોગ્યની સુદ્રઢ સેવા પહોંચાડી છે. ગામડાઓમાં પણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનવાથી ગામડાના નાગરિકોને ઉત્તમ તબીબી સેવાનો લાભ મળતો થયો છે. આટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ ડાયાલિસીસ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. તબીબી શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

પહેલા રાજ્યમાં મેડિકલની માત્ર ૧૩૭૫ બેઠકો હતી, તેની સામે આજે ગુજરાતમાં સાત હજાર કરતા પણ વધુ બેઠકો છે. જેનાથી ગુજરાતના નાગરિકોની આરોગ્યલક્ષી સેવા માટે તબીબો વધુ મળશે. આયુષ્માન ભારત કાર્ડની મર્યાદા રૂ. ૧૦ લાખ કરી રાજ્ય સરકારે લોકોની આરોગ્યલક્ષી ચિંતા હળવી કરી છે.

ચૂંટણી આવે એટલે રોજગારીનો મુદ્દો ઉઠે છે, એવો કટાક્ષ કરતા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં અવલ્લ છે, તેની ભૂમિકા આપી હતી અને કહ્યું કે, રોજગારીના સર્જન માટે વડાપ્રધાનશ્રી દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ૨૦૦૩માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામે ઉદ્યોગો સ્થપાતા રાજ્યમાં રોજગારીની તકો વધી છે.

ઉક્ત બાબતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ધંધા-રોજગાર માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે વિદેશી રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. તાજેતરમાં જાપાન અને સિંગાપોરના પ્રવાસ દરમિયાન ઉદ્યોગકારોને મળ્યો ત્યારે તેમણે નરેન્દ્રભાઇમાં વિશ્વાસ પ્રદર્શિત કરી ગુજરાતમાં રોકાણ કરવા માટે આતૂરતા દર્શાવી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જનજનને જોડીને સરકારની જનકલ્યાણની યોજનાઓનો લાભ તમામ નાગરિકોને અપાવવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, સંકલ્પ યાત્રા નરેન્દ્રભાઇ મોદીની ગેરેન્ટી લઇ નીકળી છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિની મોદી સરકારની ગેરેન્ટી, ભૂખ્યાને ભોજનની ગેરેન્ટી, છે, મહિલાઓને ધૂમાડાથી મુક્ત રસોડું આપવાની ગેરેન્ટી છે, ગરીબોને પાકું મકાન આપવાની ગેરેન્ટી છે. ઘરઘર નળથી પીવાનું પાણી આપવાની ગેરેન્ટી છે. ખેડૂતોને વાર્ષિક રૂ. ૬ હજાર સન્માન નિધિ આપવાની ગેરેન્ટી છે. ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું આ અભિયાન છે.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે અગત્યની ઘોષણા કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આણંદમાં અંદાજિત રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ અને અંદાજિત રૂપિયા ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ થનાર છે. જેનું ખાતમુહૂર્ત આગામી બે માસમાં થઇ જશે.

શ્રી પટેલે આજે સમગ્ર વિશ્વ ભારતને સન્માનભેર જોવે છે અને ભારતના નેતૃત્વ સમક્ષ મિટ માંડીને બેઠું છે ત્યારે ખરેખર તેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. વધુમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને સંકલ્પબદ્ધતાને પરિણામે આજે ગુજરાત સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં આદર્શ બન્યું છે, તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.