સૈજપુરની ડ્રેનેજ સમસ્યા દૂર કરવા ૭ એમ.એલ.ડીનો નવો એસ.ટી.પી બનાવવામાં આવ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના નરોડાથી ઓઢવ સુધીના વિસ્તારમાં ડ્રેનેજ બેકિંગની સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને, સૈજપુર, નિકોલ અને ઓઢવમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. નિકોલ અને ઓઢવમાં ડ્રેનેજ બેકિંગની ફરિયાદ દૂર કરવા કામ થઈ રહયા છે. જયારે સૈજપુર માં નવો એસટીપી બનાવી ફરિયાદ નું નિવારણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી ના જણાવ્યા મુજબ ઉત્તર ઝોનના સૈજપુર વોર્ડમાં સૈજપુર તળાવની આસ-પાસના વિસ્તારમા ડ્રેનેજ બેંકીગની સમસ્યા રહેતી હોઈ ઉપરાંત ઉત્તરઝોન, પુર્વ ઝોનના જુદા જુદા વોર્ડ જેમ કે, સૈજપુર, બાપુનગર, રખીયાલમાં ડ્રેનેજની બેકીંગની સમસ્યા રહે છે. સદરહુ તમામ વિસ્તારની ડ્રેનેજની ટૂંક મેઇન લાઇનો ગુરૂજી બ્રિજ થઈ પીરાણા એસ.ટી.પી.માં જાય છે.
નરોડા થી પિરાણા સુધી ૧૭ થી ૧૮ કિ. મીના વિસ્તારમા એક પણ એસ.ટી.પી નથી જેથી ૧૭ થી ૧૮ કિ.મી ની લંબાઈની ટૂંક મેઇન મા ઉતર,પુર્વ અને દક્ષિણ ઝોનમાં આવેલ વોર્ડના વિસ્તારોના સુઅરેઝનું વહન થાય છે. જેના કારણે અપસ્ટ્રીમના વિસ્તારોમા ડ્રેનેજ બેકીગની જટીલ સમસ્યા પીક અવર્સ દરમ્યાન ઉદ્દભવે છે.
જેના કારણે જાહેરમાં ડેનેજના પાણી ઉભરાવાના કારણે ગંદકી થતી હોય છે જે જાહેર આરોગ્યને નુકશાનકારક છે.જે કાયમી ધોરણે નિવારવા સૈજપુર વોર્ડમાં સૈજપુર તળાવ પાસેના વિસ્તારમાં એસ.ટી.પી.બનાવવાનુ આયોજન કરવામાં આવેલ.
તદ્દઉપરાંત ચોમાસાની ઋતુ દરમ્યાન સૈજપુર તળાવમા વરસાદી પણીથી ઓવરફલો થાય છે,તેના નિકાલ માટે પણ ઉપયોગી થશે જેથી આજુબાજુનાં વિસ્તારોમા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે. આમ ઉત્તરઝોનના સૈજપુરવોર્ડમાં સૈજપુર તળાવ પાસે ૦૭ એમ.એલ.ડી એસ.ટી.પી બનાવી તથા રાઈઝીંગ મેઇન નાંખી તેનુ ટ્રીટેડ પાણીને ખારીકટ કેનાલમાં લઇ જવાનુ આયોજન કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.