વોટ્સએપ દ્વારા યુઝર્સને ખાસ મેસેજ મોકલી છેતરપિંડીની નવી તરકીબ
નવી દિલ્હી, વોટ્સએપ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગ થતી ઈન્ટરનેટ મેસેજીંગ એપ છે. આ એપનો ઉપયોગ કરોડો યુઝર્સો રોજ-બરોજ કરતા હોય છે. આ એપ પર સૌથી વધુ યુઝર્સો હોવાના કારણે સાઈબર ફ્રોડ કરનારાઓ પણ યુઝર્સોને સોફ્ટ ટાર્ગેટ કરે છે. તો હાલના સમયમાં સાઈબર ફ્રોડો યુઝર્સોને છેતરવા નવી તરકીબનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં યુઝર્સોને હી મમ અથવા હી ડેડ મેસેજ આવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે, ભારતમાં અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડીઓ સામે આવી હતી, જેમાં સાઈબર ફ્રોડ યુઝર્સના ઓળખીતાનું નામ આપી પૈસા પડાવતા હોય છે. હાલ વોટ્સએપ પર ચાલી રહેલું હી મમ કૌભાંડ પણ કંઈક આવું જ છે. આમાં સાઈબર સ્કેમર્સ યુઝર્સને તેના કોઈ ઓળખીતા વ્યક્તિનું નામ આપી મેસેજ કરે છે અને યુઝર્સ સાથે છેતરપિંડી કરે છે.
આ પ્રકારની છેતરપિંડી સૌથી વધુ ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે. આ વર્ષે વૉટ્સએપ સ્કેમમાં યુઝર્સને અત્યાર સુધીમાં ૫૭ કરોડનો આંચકો લાગી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયા કમ્પટીશન રેગ્યુલેટરના જણાવ્યા મુજબ, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ૧૧,૧૦૦ લોકો સાથે છેતરપિંડી થઈ છે, જેમાં યુઝર્સને ૭૨ લાખ ડૉલરનો આંચકો લાગ્યો છે. માત્ર ઓગસ્ટ-૨૦૨૨માં જ ૧૧૦૦ લોકો વોટ્સએપ પર છેતરપિંડીનો શિકાર બન્યા હતા.