એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાંથી નવજાત બાળકી મળી
(એજન્સી) અમદાવાદ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર સોમવારે વહેલી સવારે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં કાળા રંગની એક બેગમાં નવજાત બાળકી મળી આવી હતી. માત્ર ૨ દિવસની બાળકીને કોઈ બેગમાં બંધ કરીને જનરલ ડબ્બામાં મૂકીને જતું રહ્યું હતું. બાળકી જીવિત છે અને હાલ સિવિલમાં સારવાર હેઠળ છે.
સંતાન તો મા-બાપને પોતાના જીવ કરતાં પણ વહાલું હોય છે. પણ આ કળિયુગમાં રોજે રોજ એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે માતૃત્વને જ નહીં માનવતાને પણ શરમાવી રહી છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર સોમવારે વહેલી સવારે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં કાળા રંગની એક બેગમાં નવજાત બાળકી મળી આવી હતી.
માત્ર ૨ દિવસની બાળકીને કોઈ બેગમાં બંધ કરીને જનરલ ડબ્બામાં મૂકીને જતું રહ્યું હતું. બાળકી જીવિત છે અને હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. તેની તબિયત સ્થિર છે. હાલ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવેએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, લોકશક્તિ ટ્રેન મુંબઈના બ્રાન્દ્રા સ્ટેશનથી ઉપડે છે અને વચ્ચે અનેક સ્ટેશન આવે છે.
એટલે એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે બાળકી સાથેનો થેલો ટ્રેનમાં ક્યારે મુકાયો. પણ પોલીસને શંકા છે કે અમદાવાદ અથવા તો નજીકના સ્ટેશન પર જ આ ઘટનાને અંજામ અપાયો હોઈ શકે છે.