શહેરા તાલુકાના રેણા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ
ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ક્લેક્ટર સુજલ મયાત્રાની અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામસભામાં રેણા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જાેડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પ્રાંત અધિકારી શહેરા,મામલતદાર ,ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી લોકોને આપી હતી.
કલેકટર દ્વારા ગ્રામ લોકો સાથે સંવાદ સાધી પુરવઠા,પાણી,શિક્ષણ,રસ્તા,વૃધ્ધ પેન્શન, બસ સ્ટેશન,ખેતી, ખેતીમાં નુકસાન કરતા જંગલી પ્રાણીઓ વગેરે જેવા પ્રશ્નોનું સ્થળ ખાતે નિરાકરણ લાવવા સબંધિતોને સૂચનાઓ આપી હતી. આ સાથે સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર-રાજ્ય સરકાર લોકોની સંતૃપ્તી અને માનવ સૂચકઆંક વધારવા માટે વિવિધ યોજનાઓ થકી ઘણા પ્રયત્નો કરે છે. પણ ક્યાંક જાગૃતતાના અભાવે પૂરતી માહિતી ન હોવાના કારણે યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી. કે લોકો તેનો પુરતો લાભ ઉઠાવી શકતા નથી. જ્યારે જ્યારે ગ્રામ્ય-તાલુકા-જિલ્લા લેવલનું વહીવટીતંત્ર આપના ગામે પહોંચે ત્યારે પહોંચેલા તંત્ર સુધી તમે લોકો પહોંચો જેથી કરીને પ્રજા કલ્યાણની યોજનાઓથી તમે વિમુખ ન રહો, તેમણે ઉપસ્થિતોને તમામ પ્રકારની મદદ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ જિલ્લા કલેકટર અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત રહેવા બદલ આનંદ સાથે આભાર માન્યો હતો.