રોડ પર કચરો ઠાલવતા સોસાયટીના ચેરમેનને નોટિસ અપાઈ
પંચાયતના સરપંચે નોટિસ આપી ગંદકી દૂર કરવા તાકીદ કરી
ભિલોડા, અરવલ્લી જિલ્લાના હાર્દસમા ભિલોડા-શામળાજી ધોરીમાર્ગ પર આવેલ ભિલોડામાં સુપ્રિમ પેરેડાઈઝ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સીમ વિસ્તારના જાહેર રસ્તા ઉપર અસહ્ય કચરો નાખી, ગંદુ પાણી રસ્તા પર ઠાલવતા હોય અસહ્ય દુર્ગંધ ફેલાય છે
અસહ્ય કાદવ, કિચડ અને ગંદકીનો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધતા ખેડૂતો અને રાહદારીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા ભિલોડા ગ્રામ પંચાયત/ સરપંચ/ મુકેશભાઈ પી. ત્રિવેદીએ સુપ્રિમ પેરેડાઈઝ હાઉસિંગ સોસાયટીના ચેરમેનને નોટીસ પાઠવી અસહ્ય ગંદકી હટાવવા તાકીદ કરાઈ છે.
ભિલોડાના હાર્દસમા વિસ્તારમાં આવેલ હાથમતી નદીના બ્રીઝ પાસે સુપ્રિમ પેરેડાઈજ હાઉસિંગ સોસાયટીના બિલ્ડીંગમાં રહેતા રહેવાસીઓ સીમ વિસ્તારના જાહેર રસ્તા પર મનફાવે તેમ પ્લાસ્ટીકની થેલીઓ, એઠવાડ, ગંદો કચરો, દૂષિત પાણી ઠાલવતા હોય ત્યારે અવર-જવર કરતા ખેડૂતો લાલઘુમ થઈ રહ્યા છે.
ખેડૂતો અને રાહદારીઓના આરોગ્યનું જાેખમ થઈ રહ્યું છે. રોગચાળો ફેલાય તેવી દહેશત વચ્ચે ખેડૂતોએ ઉચ્ચકક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ સંદર્ભે ન્યાયિક રીતે લેખિત, મૌખિક રજુઆત કરાઈ હતી. ખેડૂતો અને રાહદારીઓના જીવનું જાેખમ હોય તે સંદર્ભે સુપ્રિમ પેરેડાઈઝ હાઉસિંગ સોસાયટીના સંચાલકો, રહેવાસીઓ દિન-૩માં કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા,
ગંદા પાણીના નિકાલ સંદર્ભે યોગ્ય નિરાકરણ લાવવા ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચે લેખિત નોટીસમાં ઉલ્લેખ કર્યો છે. યોગ્ય ઉકેલ નહીં આવે તો પાણીના મુખ્ય સ્ત્રોત બંધ કરીને સીલ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સંચાલન કરતા સંચાલકોના શિરે રહેશે તેમ નોટીસમાં જણાવ્યું છે.