ડેમાઈ ગામે પુલ ધામણી નદીમાં અસંખ્ય માછલીઓ મોત
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકાના ડેમાઈ ગામેથી પસાર થતી ધામણી નદી પર બાયડ-કપડવંજ હાઈવે પર આવેલા પુલ નીચે અગમ્ય કારણોસર અસંખ્ય મોટી માછલીઓ મરી જતાં માછીમારોનું મોટું ટોળું માછલીઓ લઈ જવા એકત્ર થઈ ગયું હતું
ડેમાઈ ગામે મેઈન હાઈવે પર ધામણી નદી પર આવેલા પુલ નીચે નદીના પાણીમાં કોઈ અસામાજિક તત્વોએ કે પછી કોઈ માછીમારી કરનાર તત્વોએ નદીના પાણીમાં કોઈ ઝેરી કેમિકલ કે કોઈ ઝેરી પદાર્થ નાખી દેતાં મોટી સાઇઝની અસંખ્ય માછલીઓનું મરણ થતાં પુલ નીચે માછલીઓ પકડવા માટે માછીમારોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. સ્થાનિક લોકોને માછીમારી કરવા માટે લોકોના ટોળાં એકત્ર થતાં ઘટનાની જાણ થઈ હતી.
ડેમાઈ ગામના સ્થાનિક લોકોમાં ચર્ચાતી વાતો મુજબ માછલીઓ પકડવા માટે કોઈ અસામાજિક તત્વોએ નદીના પાણીમાં કોઈ ઝેરી પદાર્થ નાખી દીધાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે ડેમાઈ પાસે ધામણી નદીમાં મોટી સાઇઝની અસંખ્ય માછલીઓથી નદીનું પાણી ચોખ્ખું રહેતું હતું. પરંતુ આવું અશોભનીય કૃત્ય કોણે કર્યું તેની તંત્રએ તપાસ કરવાની જરૂર છે.