Western Times News

Gujarati News

ઉમરા પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળા દ્વારા એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં બાળકો તથા શિક્ષકો ઉત્સાહભેર જાેડાયા હતાં. નિયત કાર્યક્રમ મુજબ આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ અન્વયે શાળા પરિવારે સુરતનાં ચલથાણ નજીક આવેલ ‘ચોકીધાની’ ની મુલાકાત લીધી હતી. અહીં સૌએ ભાતીગળ રાજસ્થાની સંસ્કૃતિને મન ભરીને માણી હતી. બાળકોએ કઠપૂતળીનો ખેલ જાદુનો ખેલ તથા રાજસ્થાની નૃત્ય નિહાળી ભારે રોમાંચ અનુભવ્યો હતો. તેમણે ચકડોળમાં ઘુમવાની અને હીંચકે ઝુલવાની મોજ માણી હતી. સાથે સૌ ઘોડેસવારી અને ઊંટસવારીનો અવિસ્મરણીય અનુભવ મેળવી આનંદથી ઝૂમી ઉઠ્‌યા હતાં.

શાળાનાં ઉત્સાહી ઉપશિક્ષક વિપુલ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ બાળકોએ વિસરાતી જતી ચાકડા ઉપર માટીમાંથી માટલા બનાવવાની કલાકારીગરીનો તાદ્રશ્ય અનુભવ મેળવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં આચાર્યા બેલાબેન પટેલે જણાવ્યું હતું કે બાળકોએ અહીં આનંદપ્રમોદ સાથે જાત અનુભવ મેળવી સંતુષ્ટ થયા એ અમારા આ શૈક્ષણિક પ્રવાસની સફળતા છે.

પૂરા દિવસની મોજ મસ્તી વચ્ચે બાળકો માટે પરંપરાગત પૌષ્ટિક ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાનાં શિક્ષકગણનાં યોગ્ય સંકલન અને સહકારથી આ શૈક્ષણિક પ્રવાસ અપેક્ષા મુજબ સફળ રહેવા પામ્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.