નદીના પટમાં પદયાત્રિઓ સરળતાથી ચાલી શકે તે માટે કેડી પણ બનાવવામાં આવી
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરવા આવતા પદયાત્રીઓ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા
(માહિતી)રાજપીપલા, નર્મદે હરના નાદ સાથે શરૂ થયેલી ઉત્તરવાહિની પરિક્રમા કરવા આવતા પદયાત્રીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી સઘન વ્યવસ્થા સ્તુત્ય છે. વિશેષતઃ રામપુરા અને શહેરાવ ઘાટ ખાતે નદી ઓળંગતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે ૨૪ઠ૭ કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં ભાવિકોને તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવી રહી છે. આ કન્ટ્રોલરૂમ આગામી ૮મી મે-૨૦૨૪ સુધી સતત કાર્યરત રહેશે. ચારેય ઘાટ ખાતે હોડીમાં મુસાફરી કરતા ભાવિકો માટે લાઈફ જેકેટની પુરતી માત્રામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
નદીના પટમાં પદયાત્રિઓ સરળતાથી ચાલી શકે તે માટે કેડી પણ બનાવવામાં આવી છે. નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પહેલેથી જ આ યાત્રા માટે વ્યવસ્થાઓનું આયોજન કરવા તબક્કાવાર મીટિંગો યોજી હતી અને ઉચ્ચ કક્ષાએ સતત સંકલન સાધ્યું હતું. તેમણે અને જિલ્લાના અધિકારીઓએ અનેક વખત પંચકોશી યાત્રાના માર્ગનું નિરીક્ષણ કરી સ્થળ સ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો. તેના આધારે આ વખતની પરિક્રમામાં સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
રાજ્યમાં હીટવેવની દર્શાવાયેલી શક્યતાઓને ધ્યાને રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે રામપુરા રણછોડરાયજી મંદિર ખાતે તથા શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે ઓઆરએસ સહિત પ્રાથમિક સારવારની દવાઓના પુરતા જથ્થા સાથે રાત-દિવસ આરોગ્ય કર્મીઓની ટીમ ગોઠવવામાં આવી છે.
તંત્રના ધ્યાને આવ્યું છે કે, કેટલાંક મુસાફરો બોટમાં બેસી લાઈફ જેકેટ શરીર ઉપરથી ઉતારી હાથમાં રાખે છે. આવું ના કરવાની અપીલ સાથે લાઈફ જેકેટ શરીર ઉપર પહેરીને જ બોટમાં બેસવા વિનંતી કરવામાં આવી છે.