૧ વર્ષથી નંબર ન ફાળવતા શખ્સે RTO ઉપર દાવો માંડ્યો
અમદાવાદ, પ્રેક્ટિસ કરી રહેલાં વકીલ ભૂપેન્દ્ર ચાવડાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે, કારણ કે હરાજી દરમિયાન તેઓએ પોતાની લક્ઝરી સેડાન કારની નંબર પ્લેટ માટે બોલી લગાવી હતી અને સફળતાપૂર્વક જીત્યા પણ હતા.
તેમ છતાં પણ એક વર્ષ સુધી આરટીઓ દ્વારા તેમને પસંદગીનો નંબર ફાળવવામાં આવ્યો નહોતો. અમદાવાદમાં રહેતા ભૂપેન્દ્ર ચાવડાએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કાર ખરીદી હતી. કાર ખરીદ્યા બાદ તેઓએ પોતાની પસંદગીનો નંબર મેળવવા માટે આરટીઓને વિનંતી કરી હતી.
તેઓ પોતાની કાર માટે ૦૧૧૧ પસંદગીનો નંબર મેળવવા માગતા હતા. પરંતુ તેમને નંબર ન ફાળવાતા આખરે તેઓએ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. આરટીઓએ હાથ ધરેલી હરાજીમાં એક વ્યક્તિએ એ જ નંબર માટે બોલી લગાવી હતી. ચાવડાએ પણ હરાજી દરમિયાન રુપિયા ૧.૦૩ લાખની બોલી લગાવી હતી અને આ પસંદગીનો નંબર જીત્યો હતો.
એ પછી તેઓએ રુપિયા ૪૦ હજાર જમા કરાવ્યા હતા. સફળ બિડર જાહેર થયા બાદ તેઓએ બાકીના રુપિયા ૬૩,૦૦૦ પણ ચૂકવી દીધા હતા. આ હરાજી મે ૨૦૨૨માં થઈ હતી. ભૂપેન્દ્ર ચાવડાના વકીલ ધવલ કંસારાના જણાવ્યા મુજબ, આ નંબર પ્લેટ મેળવવા માટે ભૂપેન્દ્ર ચાવડાએ આરટીઓના કોલની રાહ જાેઈ હતી, પરંતુ ફોન ક્યારેય આવ્યો નહીં.
જે બાદ તેઓએ વારંવાર પૂછપરછ કરતા એવું જણાવવામાં આવ્યું હતું કે, બોલી લગાવનારા અન્ય એક શખસે વાંધો ઉઠાવ્યો હોવાથી હરાજી રદ્દ કરવામાં આવી હતી. પોતાને નંબર ન ફાળવવાના અને હરાજી રદ્દ કરવાના આરટીઓના ર્નિણય સામે હાઈકોર્ટમાં ગયા હતા.
જ્યારે ભૂપેન્દ્ર ચાવડાએ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો એના એક દિવસ પહેલાં આરટીઓએ તેમને સૂચના આપી કે, એ નંબર માટે નવી હરાજી હાથ ધરાશે. ત્યારે ભૂપેન્દ્ર ચાવડાએ આરટીઓની બિડ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ઓક્ટોબર ૨૦૨૨માં હાઈકોર્ટે આરટીઓની બીજી હરાજી કરવા અને અન્ય કોઈ વાહન માલિકને નંબર ફાળવવા પર રોક લગાવી હતી.
જ્યારે આ કેસ સોમવારે સુનાવણી માટે હાથ ધરાયો ત્યારે અરજદારના વકીલે આ મામલે ઝડપથી કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી. ન્યાયાધીશ વૈભવી નાણાવટીએ પ્રશ્ન કર્યો કે આ કેસમાં આટલી ઉતાવળ કેમ કે જ્યારે હાઈકોર્ટના સ્ટે ઓર્ડર બાદ આ નંબર કોઈને ફાળવવામાં આવ્યો નથી.