Western Times News

Gujarati News

એકાગ્રપણે ૨૧ વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે-મુનિરાજ નયશેખર વિજયજી

પાલનપુરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે કલ્પસૂત્ર ગ્રંથનું વાંચનનો પ્રારંભ થયો

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્‌ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસની આરાધના યોજાઇ.

ત્યારે પર્યુષણ ચોથા દિવસે સવારે ૮.૩૦ કલાકે ઉપાશ્રય ખાતે કલ્પસૂત્રની પાંચ પૂજા,સોના રૂપાના મોતીથી વધામણાં કરવામાં આવેલ.ત્યારબાદ કલ્પસૂત્ર વોહોરાવામાં આવેલ.આ પ્રસંગે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે એકાગ્રપણે ૨૧ વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ માત્ર સાત-આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે.

કલ્પસૂત્ર એ જૈન દર્શનનું મહાન શાસ્ત્ર છે.જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય છે.તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવન ચરિત્રોનું વિસ્તૃત કથન છે.બાકી તીર્થંકરોના આરા અને આંતરા છે.આ પર્વમાં તપશ્ચર્યા કરવાથી ખૂબ મોટો લાભ મળે છે.કલ્પસૂત્ર મહાનગ્રંથ જીવનને ધન્ય બનાવી દે છે.

પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામી વગેરે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં ‘દશા’ અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો.એનો સંગ્રહ ‘દશાશ્રુતસ્કંધ’ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે.આ આગમનું આઠમું અધ્યયન જ ‘શ્રીકલ્પસૂત્ર’ નામે પ્રસિદ્ધ છે.કલ્પસૂત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે,

એ જૈનધર્મના આગમોનો સાર નથી,તેમ છતાં એ આગમ ગ્રંથ જેટલો મહિમા પામ્યો છે.પર્યુષણ પર્વ દરમિયાન સાધુ- ભગવંતો એનું વાચન કરતા હોય છે.કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી,પરંતુ ગ્રંથનો એક ભાગ છે.આચાર્ય ભદ્રબાહુસ્વામી એ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે.

આને ‘પજ્જાેસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે.સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું.એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે.છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે.એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.

કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ કલ્પસૂત્ર ના વ્યાખ્યાન નું શ્રવણ કરેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.