કરાચીના સ્ટેડિયમમાં બનાવટી ઓળખ સાથેનો વ્યક્તિ ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Karachi-1024x538.jpg)
કરાચી, પાકિસ્તાનમાં સુરક્ષાની વ્યવસ્થા અને જોખમને કારણે ભારત સરકારે તેની ક્રિકેટ ટીમને ત્યાં નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો અને તેને સમર્થન મળી ગયું હતું કેમ કે જ્યાં અત્યંત મહત્વની મેચો રમાનારી છે અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને હવે માંડ એક સપ્તાહનો સમય રહી ગયો છે ત્યારે કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે એક બનાવટી ઓળખપત્ર સાથે ઘુસેલી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે રમાનારી ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ અગાઉ આ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મુઝમીલ કુરેશી તરીકે ઓળખાયેલી આ વ્યક્તિ મુખ્ય પ્રવેશદ્વારથી સ્ટેડિયમની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતી હતી અને તેને ઝડપી લેવામાં આવી હતી.
તેની પાસે મીડિયાકર્મીનો પાસ હતો અને તે પોતાને પત્રકાર તરીકે ઓળખાવતો હતો પરંતુ તપાસ કરતાં ખ્ચાલ આવ્યો હતો કે તેની પાસે રહેલું આસીસી કે પીસીબીનું ઓળખપત્ર નકલી હતું તેમ કહીને પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે સુરક્ષા કર્મચારીને શંકા જતાં તેની પૂછપરછ કરાઈ હતી જેમાં તેની પાસેથી અન્ય એક ઓળખપત્ર મળી આવ્યું હતું જેમાં તે પોતાને કેમેરામેન ગણાવતો હતો.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મુઝમીલ કુરેશીની અટકાયત કરવામાં આવી છે અને વિસ્તારના પોલીસ મથકમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને તે તપાસમાં આવી રહ્યું છે કે તેણે ક્યાંથી આ ઓળખપત્ર મેળવ્યું હતું. તે શા માટે આ રીતે પ્રવેશ કરવા માગતો હતો તેની પણ તપાસ ચાલી રહી છે.
પાકિસ્તાનમાં ૧૯મીથી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થનારો છે જેમાં આઠ ટીમ ભાગ લેનારી છે પરંતુ ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. આઇસીસીની વ્યવસ્થા મુજબ ભારતીય ટીમ ફાઇનલમાં આવશે અને તે વખતે તેનું હરીફ પાકિસ્તાન હશે તો પણ તે મેચ દુબઈમાં રમાશે.
જોકે ટુર્નામેન્ટનું મુખ્ય આયોજક પાકિસ્તાન છે.હાલમાં રમાઈ રહેલી ત્રિકોણીય વન-ડે સિરીઝમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આળિકા વચ્ચે મેચો રમાઈ રહી છે જેમાં યજમાન ટીમ અને ન્યૂઝીલેન્ડ શુક્રવારે કરાચીમાં જ ફાઇનલ રમશે. આ મેચ માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કટક બનાવવામાં આવી છે જેમાં સાત હજાર પોલીસકર્મીઓને તૈનાત કરાયેલા છે.SS1MS