પ્રદૂષણ તથા કવોરી ઉદ્યોગમાંથી સતત ઊડતી ધૂળની રજકણોના મુદ્દે આવેદનપત્ર અપાયુ

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વસાહત કવોરી ઉદ્યોગ તેમજ સિલિકા વિગેરે ખનીજના પ્લાન્ટો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનું કોઈ નવી બાબત નથી ! અલગ અલગ ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણના કારણે સ્થાનિકોના આરોગ્ય પણ માઠી અસર પડી રહી છે.સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના દ્વારા આજરોજ રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવી પ્રદુષણ કરતા ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરવા માંગણી કરી છે.
સાવિત્રી બાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના દ્વારા તેમના આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઝઘડિયા તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા સતત પ્રદૂષણ છોડવામાં આવે છે.જેનાથી જીઆઈડીસી ઝઘડિયાની આજુબાજુના હજારો લોકોના જીવને જાેખમ ઊભું થયું છે.ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ ૧૫૦ થી વધારે કંપનીઓ પૈકી ૯૦ ટકા ફેક્ટરીઓ ઝેરી કેમિકલ સાથે સંકળાયેલી છે.
જીઆઈડીસીની આજુબાજુના વિસ્તારમાં હજારો એકર જમીનમાં ખેડૂતો પાક વાવેતર કરે છે પ્રદૂષણના કારણે તેના પર ઘણી જ માઠી અસર થાય છે,ઉપરાંત સ્થાનિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પણ જાેવા મળી રહી છે, કુદરતી સંપત્તિ એવા ટ્યુબવેલના પાણીમાં પણ કેમિકલ યુક્ત પાણી આવવાને હવે વાર નથી,હવામાં તીવ્ર કેમિકલની કાયમ વાસ આવે છે તથા રાજપારડીની આજુબાજુ આવેલી કવોરીઓ મારફત ધૂળ અને રજકણો ઉડવાથી તે વિસ્તારના લોકોના આરોગ્ય પણ માઠી અસર થાય છે,ધૂળ થી થતા જીવલેણ રોગો વધી રહ્યા છે જેથી રહેણાંક વિસ્તારથી નજીક આવેલી કવોરીઓ બંધ કરવામાં આવે અને અસરગ્રસ્તોને સહાયક યોજનાઓ અમલમાં મૂકી મદદરૂપ થાય તેવા પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ કરી છે.