શેરડી અને મકાઈના છોતરામાંથી વનસ્પતિ આધારિત પ્લાસ્ટિક બોટલ તૈયાર કરાઈ
ભાવનાથમાં વનસ્પતિથી બનેલી પ્લાસ્ટિક બોટલનું લોકાર્પણ
જૂનાગઢ, જૂનાગઢ ભવનાથ અને ગીરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે શરૂ કરાયેલી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર પહેલમાં પ્રકૃતિને નુકસાન ન પહોંચે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગુજરાતના એક સ્ટાર્ટઅપને મદદ કરી તેમના દ્વારા શેરડી અને મકાઈના છોતરામાંથી સંપૂર્ણ વનસ્પતિ આધારિત એગ્રીવેસ્ટ મટીરિયલમાંથી પ્લાન્ટસ્ટિક બોટલ તૈયાર કરવામાં આવી છે. તેનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા મહંત મહેશગીરી બાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું કે, ભવનાથ પરિક્ષેત્ર અને ગરવા ગીરનારની પ્રકૃતિને માણવા દેશ-વિદેશથી સહેલાણીઓ અને ભાવિકો પર્યટન માટે આવતા હોય ત્યારે પ્રકૃતિના રક્ષણની જાળવણી મુખ્ય વિષયવસ્તુ બની રહી છે ત્યારે આ પહેલથી આપણે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનું નિર્માણ કરી આપણી ધરોહર સમા વન્ય-પ્રાણીઓ, પક્ષીઓ અને જંગલ વિસ્તારને સ્વચ્છ રાખવામાં એક મુખ્ય ભાગ રહેશે.
મહંત મહેશગીરી બાપુએ ચેમ્બર ઓફ કોમર્સ અને પ્લાન્ટસ્ટિક નિર્માણ કરતી કંપનીનો આભાર માનતા આ ભવનાથ નિર્થક્ષેત્ર અને ગરવા ગીરનારની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના રક્ષણ માટેની આ પહેલને બિરદાવી ગીરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને આ સંપૂર્ણ વનસ્પતિથી બનેલ પ્લાન્ટસ્ટિકનો ઉપયોગ કરી પર્યાવરણ અને વન્યપ્રાણીઓનું જતન કરવા જનમતને વિનંતી કરી હતી.
આ લોકાર્પણ સમારોહમાં પ્લાન્ટસ્ટિકનું નિર્માણ કરતી કંપનીના ડાયરેટર નીખીલકુમારે ઉપસ્થિત તમામને પ્રેઝન્ટેશન દ્વારા આ બોટલ તથા વનસ્પતિથી બનતી અન્ય વસ્તુઓ વિશે જાણકારી આપી હતી.