પૌત્ર જન્મની ખુશીમાં કિન્નરો મળી અત્યાર સુધીની સૌથી મોટી ભેટ
રેવાડી, જન્મ પ્રસંગે કિન્નરોને રોકડ અને ભેટો આપવામાં આવતી હોય છે. પરંતુ હરિયાણાના રેવાડીમાં રહેતા શમશેર સિંહે તેમના પૌત્રના જન્મ પર તેમના ઘરે આવેલા કિન્નરોને ૧૫ લાખ રૂપિયાનો પ્લોટ બક્ષિસમાં આપી દીધો હતો.પૌત્રના જન્મ પર દાદાએ કિન્નરોને આપેલી ભેટ મેળવીને કિન્નરોને તો જાણે લોટરી લાગી ગઈ.
અહીંની સતી કોલોનીના શમશેર સિંહના પુત્ર એડવોકેટ પ્રવીણ યાદવની પત્નીએ તાજેતરમાં પુત્રને જન્મ આપતા આ વિસ્તારના કિન્નરો સપના ગુરુ, હિના, કોમલ વગેરે તેના ઘરે પહોંચી ગયાં હતાં. આ પ્રસંગે પ્રવીણ, તેના પિતા શમશેર સિંહ અને પરિવારના સભ્યો પણ હાજર હતા.
કિન્નરોએ તેમને અભિનંદન આપવા ડાન્સ કરી પરિવારના સભ્યોના દિલ જીતી લીધા હતા. કિન્નરોએ તો વિચાર્યું પણ નહોતું કે તેમને એક એવી ભેટ મળવાની છે જેની તેમણે કલ્પના પણ કરી હોય. પૌત્ર થવાની ખુશીમાં દાદા શમશેરે વ્યંઢળોને ૧૦૦ ચોરસ વારનો પ્લોટ આપવાની જાહેરાત કરી દીધી અને અન્ય ભેટો પણ આપી હતી. આ પ્લોટની કિંમત લગભગ ૧૫ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
પ્લોટની જાહેરાત પછી, જ્યારે શમશેર સિંહે કિન્નરોને પૂછ્યું કે તેઓ આ જમીનનું શું કરશે, તો તેઓએ જવાબ આપ્યો કે તેઓ દૂધાળા પશુઓનું સંવર્ધન કરીને પોતાનું ગુજરાન ચલાવશે.
આ સાંભળીને શમશેરે કહ્યું કે જો આ માટે તેમને ભેંસ જોઈતી હશે તેઓ તે પણ લઈ આપશે. શમશેરે જણાવ્યું કે કિન્નરોને આપવામાં આવેલો પ્લોટ શહેરના જઝ્ઝર રોડ પર ઈન્દિરા કોલોની અને રામસિંહપુરા વચ્ચેનો છે.
તેની વર્તમાન કિંમત ૧૫ લાખ રૂપિયાની આસપાસ છે. કિન્નર સપના ગુરુએ કહ્યું કે તે છેલ્લાં ૨૦ વર્ષથી પરિવારોને વિવિધ શુભ પ્રસંગોએ અભિનંદન આપવા માટે મુલાકાત લઈ રહી છે. ઘણીવાર લોકો તેમને મોંઘા કપડાં, ભેટ અને રોકડ આપે છે.
પરંતું તેમને જીવનમાં પહેલીવાર આવી ભેટ મળી છે જેના કારણે તે અત્યંત ભાવુક થઈ ગઈ છે. શમશેર સિંહે જણાવ્યું હતું કે, પુત્રના ઘરે દીકરાના જન્મથી અત્યંત ખુશ છું. આ અનોખી અને મહામૂલી ભેટના સમાચાર ટૂંક જ સમયમાં સમગ્ર જિલ્લામાં ફરી વળતાં લોકોએ ઓનલાઈન પણ તેને શેર કર્યા હતાં.SS1MS