એક જ દિવસે ત્રણ ટ્રેન ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફળ બનાવાયું
નવી દિલ્હી, છેલ્લા અનેક દિવસોમાં અનેક રાજ્યોમાં ટ્રેનોને ઉથલાવી દેવાનું કાવતરાની ઘટના વધી રહી છે. રવિવારે પણ ૩ રાજ્યોમાં ટ્રેનને ઉથલાવી મારવાનું ષડયંત્ર પકડાયું હતું. જો આ કાવતરું પાર પડ્યું હોત તો મોટી ખુવારી સર્જાઇ હોત. જોકે ત્રણેય જગ્યાએ ષડયંત્ર નિષ્ફળ બનાવાયું હતું.
આ શ્રેણીબંધ ઘટનાઓને લઈને દેશની તપાસ અને ગુપ્તચર એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં સેનાના જવાનોને લઈ જતી ટ્રેનમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રેલ્વે સૂત્રોએ જણાવ્યું કે બુરહાનપુરના નેપાનગરમાં રેલ્વે ટ્રેક પર ૧૦ જેટલા ડિટોનેટર નાખવામાં આવ્યા હતા. જોકે, ટ્રેન આવે તે પહેલા જ કેટલાક ડિટોનેટર ફૂટી ગયા હતા. જેના કારણે રેલવે અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને ટ્રેનને સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
આ ટ્રેનમાં સેનાના જવાનો ખાંડવા જઇ રહ્યા હતા. યુપીના કાનપુરમાં પ્રેમપુર સ્ટેશન પાસે ટ્રેક પર એક નાનો સિલિન્ડર પડેલો જોવા મળ્યો હતો. જેટીટીએન ગુડ્સ ટ્રેનના લોકો પાયલટે સિલિન્ડર જોયો કે તરત જ તેણે ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને ૧૦ ફૂટ અગાઉ રોકી દીધી હતી.
પંજાબના ભટિંડામાં રેલ્વે ટ્રેક પર લોખંડના સળિયા મૂકી દેવામાં આવ્યા હતા. આ જોઈને માલગાડીના લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી, જેના કારણે અકસ્માત ટળી ગયો હતો. બિહારના મુઝફ્ફરપુરમાં શનિવારે રાત્રે મુઝફ્ફરપુર-સમસ્તીપુર રેલ્વે લાઇનની વચ્ચે એન્જિનના કુલ ૬ પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ કેસમાં પ્રારંભિક તપાસમાં લોકો પાઇલટ અને પોઇન્ટમેનની બેદરકારી ધ્યાને આવી છે.SS1MS