પાલનપુરમાં રોજગાર અને એપ્રેન્ટીસશિપ નિમણૂકપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયા
લાયકાતના આધારે રોજગાર મળે એની પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છેઃ શિક્ષણ રાજય મંત્રી કીર્તિસિંહ વાઘેલા
(માહિતી બ્યુરો, પાલનપુર) ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પાલનપુર ખાતે કાનુભાઇ મહેતા હોલમાં શિક્ષણ રાજય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર /એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૩૩૯૪ યુવાનોને રોજગાર નિમણૂંકપત્રો અને ૩૫૩ એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાએ રોજગારી અને એપ્રેન્ટીસશિપ નિમણૂંક મેળવનાર યુવાઓને અભિનંદન અને કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતા ભારત દેશ દુનિયામાં સૌથી યુવાઓનો દેશ છે અને દેશના ભાવિના ઘડવૈયા યુવાઓ છે એમ જણાવી યુવાઓને તમે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કામ કરો પરંતુ દેશહિતને ધ્યાનમાં રાખવાની અપીલ કરી હતી.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાઓને રોજગારી મળી શકે એ પ્રકારની રણનીતિ અને આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે.
યુવાઓને લાગવગને આધારે નહિ પરંતુ લાયકાતના આધારે રોજગાર અને નોકરી મળે એવી પારદર્શી વહીવટી વ્યવસ્થા ગુજરાતમાં સ્થાપિત કરવાનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે ત્યારે યુવાઓ પોતાના કૌશલ્ય, હુન્નરનો ઉપયોગ કરી આગળ વધી શકે એ માટે સ્ટાર્ટઅપ, મુદ્રા યોજના સહિતની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
જેના થકી રાજ્યમાં ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીમાં ૧૫ લાખ યુવાઓને રોજગારી આપવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યુ હતું કે, યુવાઓમાં રહેલું હિર, ખમીર અને કૌશલ્ય બહાર લાવવાનું કામ આ સરકારે કર્યું છે.
રોજગાર ભરતી મેળાને કારણે આજે હજારો યુવાનોને રોજગારી મળી છે. રાજ્ય સરકારની વિવિધ રોજગારલક્ષી યોજનાઓ અને તેના અમલીકરણથી યુવાઓના કૌશલ્યને દેશ દુનિયામાં ખ્યાતિ મળી છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક તાલુકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સ્થાપવાનું શ્રેય તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.
સમાજ જીવન અને જાહેરજીવનમાં રોજગારીની તકોનું નિર્માણ કરવાનું કામ ગુજરાતમાં થયું છે. વધુમાં તેમણે રોજગારી અને એપ્રેન્ટીસશિપ કરારપત્રો મેળવનાર તમામ યુવાનોને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાલનપુર આઈ.ટી. આઈ.આચાર્યશ્રી એન.વી દેસાઈ, જેટકોના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જીનિયરશ્રી વી.પી.પરમાર, ગુજરાત ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટના ટ્રસ્ટી શ્રી મહાદેવભાઈ ચૌધરી, પાલનપુર પોલીટેકનીક કોલેજના આચાર્યશ્રી એસ. ડી. ડાભી સહિતની વિવિધ આઈ.ટી.આઈ કોલેજના આચાર્યશ્રીઓ, કર્મચારીઓ અને રોજગાર એપ્રેન્ટીસશિપ મેળવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.