તિલકવાડા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય દીકરી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(માહિતી) રાજપીપલા, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા.૧૮ મીથી તા.૨૪ મી જાન્યુઆરી,૨૦૨૩ દરમિયાન રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને નર્મદા જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય દીકરી દિવસ સપ્તાહની ઉજવણી વિવિધ વિભાગો સાથે મળીને કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજે તિલકવાડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
તિલકવાડાની શી-ટીમના સુશ્રી છાયાબેનની આગેવાની હેઠળ સામાજિક કાર્યકર દિવ્યાબેન માછી/મદદનીશ કાર્યકર વૈદેહીબેન સગર/ક્લાર્ક સાક્ષીબેન સોની તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય દીકરી દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. તિલકવાડા સ્થિત પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાઓની થીમ આધારિત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાની ધોરણ ૫,૬ અને ૭ ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સીગ્નેચર કેમ્પેઇન, બેટી બચાવો બેટી પઢાઓની પ્રતિજ્ઞા વાંચન, ગુડ ટચ અને બેડ ટચ, મહિલાલક્ષી યોજનાઓ વિશે તિલકવાડા સી-ટીમના છાયાબેન તેમજ ઉપસ્થિત અન્ય આગેવાનો દ્વારા કિશોરીઓને વિસ્તૃત માર્ગદર્શન સાથે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે કિશોરીઓને સેનેટરી પેડ અને મહિલા લક્ષી યોજનાઓના પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.