અરવલ્લીના પ્રગતિશીલ ખેડૂત, આંબળાની ખેતી કરીને કરી રહ્યા છે લાખોની કમાણી
૮ એકરમાં આંબળાની ખેતી કરીને કોજણકંપાના ખેડૂત મેળવે છે મબલખ પાક અને આવક
પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામે ખેડૂત બળવંત પટેલે આજથી ૧૭ વર્ષ પહેલા ૨૦૦૫માં રાજ્ય સરકાર તરફથી આંબળાની ખેતી વિશે એક કાર્યક્રમાં ભાગ લીધો અને ત્યારબાદ ૮ એકરમાં ૧ હજાર આમળાના છોડની વાવણીથી શરૂઆત કરી કરી હતી, ત્યારે ફક્ત ૩ જ વર્ષમાં તેમને મોટાપાયે આમળાનું ઉત્પાદન મળવાની શરૂઆત થઇ હતી. શરૂઆતના વર્ષોમાં આંબળાનો પ્રતિ કિલોએ ૬ રૂપિયાનો ભાવ મળતો હતો, જે આંબળા આજે ૭૦ થી ૮૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહ્યા છે.
બળવંત ભાઈ જણાવે છે કે,આંબળાની ઓમ, ફર્સ્ટ અને મીડીયમ છરી એમ ૩ પ્રકારના ૮ એકરમાં અંદાજે ૨૦૦ ટન ઉત્પાદન થાય છે. ઉંમર હોવા છતાં પણ ખેડૂત બળવંત પટેલ ખંતથી કામ કરી યુવાઓને પણ ટક્કર આપી રહ્યા છે. તેઓએ ઓર્ગેનિક ખેતી કરીને આંબળાનું વાવેતર કર્યું છે, ત્યારે ઓર્ગેનિક ઉત્પાદનનો ભાવ પણ સારો મળી રહે છે. આંબળાની ઓર્ગેનિક ખેતીમાં મબલખ આવક મેળવવા બદલ રાજ્ય સરકારે ગત વર્ષે ‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર ૫૧,૦૦૦/- નું ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યું છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને,ગુજરાત રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.અને અન્ય ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે.