ગુજરાત-MP ચેકપોસ્ટ પાસે 27 લાખની કિંમતનો ચાંદીનો જથ્થો ઝડપાયો
અમદાવાદ, ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજાય અને મતદારો કોઈપણ પ્રકારના ભય અને લાલચ વગર મતદાન કરે તે માટે તમામ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે
ત્યારે દાહોદ ગુજરાત-મધ્યપ્રદેશ સંયુક્ત ચેકપોસ્ટ પર ઝાબુઆ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સની બસ માંથી બિનવારસી હાલતમાં અધધ ૨૭ લાખના ચાંદીના ઘરેણાં ઝડપાયા છે. પોલીસે ચાંદીનો જથ્થો કોનો છે અને કયા મોકલવામાં આવતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ગુજરાત-મધ્યપ્રદેશ સંયુક્ત ચેકપોસ્ટ પર ઝાબુઆ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રાજકોટથી ઈન્દોર જતી મહીસાગર ટ્રાવેલ્સની બસ માંથી ૨૭ લાખની કિંમતની ૭૨ કીલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો.
ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા પેસેન્જરોને આ અંગે પુછપરછ કરતા તમામ પેસેન્જરોએ ચાંદીનો જથ્થો પોતાનો નહિ હોવાનુ જાણવ્યું હતું. પોલીસે ચાંદીનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ પણ દાહોદ મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર ઉપરથી ઈન્દોરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાથી બિનવારસી હાલતમાં એક કરોડ કરતા વધુ રોકડ રકમ અને ૨૨ કીલો ચાંદી મળી આવ્યો હતો. જોકે આ રોકડ રકમ અને ચાંદીનો જથ્થો કોને મોકલ્યો હતો અને કોણે આપવાનો હતો તેનો ભેદ હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી ત્યારે વધુ એકવાર ચૂંટણી પહેલા દાહોદ
ગુજરાત-મધ્યપ્રદેશ સંયુક્ત ચેકપોસ્ટ પરથી રાજકોટથી ઈન્દોર જતી મહીસાગર ટ્રાવેલ્સની બસ માંથી ૨૭ લાખની કિંમતની ૭૨ કીલો ચાંદીનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટથી ઈન્દોર કોને આટલી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પહોચાડવાનો હતો. તેમજ કોણે મોકલ્યો હતો. જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. હાલ પોલીસ આ ચાંદી કોને મોકલાવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે.