રેલવે કર્મચારીને મોતને ઘાટ ઉતારી લાશ કૂવામાં નાખી દીધી

પ્રતિકાત્મક
(એજન્સી)ડાકોર, ઠાસરાના જાખેડ ગામે ખેતરની ઓરડી પાસેના કૂવામાંથી રેલ્વેના કર્મચારીની મળી આવેલી લાશ સંદર્ભે માથઆ તેમજ મોઢાના ભાગે બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા જ ડાકોર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગતરોજ ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ઠાસરા તાલુકાના જાખેડ ગામે ઈલેશભાઈ ભુલાભાઈ પટેલ (રહે.ઢુણાદરા)ના ખેતરમાં આવેલ ઓરડી નજીકના કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને બહાર કાઢયો હતો. બનાવ સ્થળેથી એક એક્ટીવા મળી આવ્યું હતું.
જે બાબતે ડાકોર પોલીસે તપાસ કરતા આ યુવાન કલ્પેશભાઈ જયંતિભાઈ મકવાણા (ખ્રિસ્તી) (ઉ.વ.૩૩, રહે.મુળ નડિયાદ અને હાલ ડાકોર સ્વાગત હોમ્સ મકાન નં. સી ૧૦૪) હોવાની હકીકત મળી આવતાં પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી હતી. તેની વિધવા માતા અને નાની બહેન આવી પહોંચ્યા હતા
અને મૃતક કલ્પેશ જ હોવાની ઓળખવિધિ કરી હતી. કલ્પેશભાઈ રેલવેમા નોકરી કરતો હોય તેની ફરજ આણંદ, વિદ્યાનગર અને ઉમરેઠમા આવતી હતી. કલ્પેશભાઈ અપરીણિત હતો અને ગત ૧૦મી સપ્ટેમ્બરના રોજ તે પોતાનું ઉપરોક્ત એક્ટીવા લઈને નોકરીએ ગયો હતો.