આમોદમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભારતીય સંસ્કૃતિનું વિશ્વને ભાન કરાવનાર અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર યુવા સંત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની આમોદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શાળાના બાળકોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને કુમકુમ તિલક કરી આશીર્વાદ લીધા બાદ શાળા માંથી વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં વિવિધ સૂત્રોના પ્લેકાર્ડ સાથે “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” ના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.
શાળાના શિક્ષકો પણ રેલીમાં જાેડાયા હતા.શાળાના બાળકો સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી રેલીમાં જાેડાયા હતા.આ રેલી આમોદના જનતાચોક,તિલકમેદાન, દિલાવર મંઝીલ સહિતના વિસ્તારોમાં ફરી હતી.સ્વામી વિવેકાનંદના વિચારોથી બાળકોનું ઘડતર થાય અને ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ રહે તે હેતુથી આમોદ સંસ્કાર વિદ્યાલય ધ્વારા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.