નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ ઉછીના નાણાં પરત ન કરતાં દંપત્તિની કિડની વેચી મારવાની ધમકી આપી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તાર માં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. જેમાં સ્પાંના સંચાલક રાજુ કોટીયા નામના વ્યક્તિ એ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કીડીની વેચી નાખવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે.
બનાવ ની વાત કરવામાં આવે તો રાજુ ભાઈ કોટિયા પામ્સ વેલનેસ હબ નામની સ્પા મસાજ દુકાન ચલાવે છે. સ્પા નાં વ્યવસાય માટે પૈસા જરૂર હોવાથી તેમણે વર્ષ ૨૦૧૯ મા વનરાજસિંહ ચાવડા, મનોજ ખંત્રી, હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં વ્યાજખોરો ઉંચા વ્યાજની ઉઘરાણી કરી પેનલટી ના નામે પૈસા માગણી કરતાં હતાં એટલું જ નહિ વ્યાજખોર વનરાજસિંહ ચાવડાએ આ દંપતીની કાર પણ પડાવી લીધી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વ્યાજખોર વનરાજસિંહ ચાવડા પાસેથી ફરિયાદીએ રૂપિયા ૫૫ લાખ વ્યાજે લીધા હતા. જ્યારે મનોજ ખત્રી પાસેથી ૪૫ લાખ રૂપિયા લીધા હતા. ત્યારે હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ રૂપિયા ૬૫ લાખની ઉઘરાણી માટે આવતા હતા જે પૈસા વિષ્ણુ વ્યાસના હતા.
જોકે ચારેય વ્યાજખોરો નાં ત્રાસથી ફરિયાદી એ પોતાની જમીન ,મકાન સોનું સહિત કીમત ચિઝ વસ્તુ ઓ વેચી તમામ પૈસા વ્યાજ સહિત ચૂકી દીધા હતા. છતાં પણ છેલ્લા ૩ મહિનાથી વ્યાજખોરો ત્રાસ આપતા હતા. જેથી ફરિયાદી રાજુ કોટીયા એ વ્યાજખોરો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ નોધાવી છે. વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે.
જેથી સેટેલાઇટ પોલીસએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસ ને લઈ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વ્યાજખોરો એ અન્ય કોઈ પરિવાર પાસેથી વ્યાજની ઉઘરાણી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ હાથ ધરી છે. થોડાક સમય અગાઉ ગુજરાત પોલીસે અનેક વ્યાજખોરો સામે ગુના નોંધીને તેમને જેલના હવાલે કર્યા હતા. આમ છતાં કેટલાક વ્યાજખોરોની દાદાગીરી હજુ ઓછી થઈ ના હોય એમ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.