અમદાવાદમાં ચૂંટણી પંચની ૫ રાજ્ય અને ૧ સંઘપ્રદેશની સમીક્ષા બેઠક યોજાઇ

અમદાવાદ, અમદાવાદ ખાતે યોજાયેલી ચોથી રીજનલ કૉન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગરહવેલીના મુખ્ય નિર્વાચન અધિકારીઓ અને સ્ટેટ નોડલ પોલીસ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા.
ચૂંટણીપંચના વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા અને અન્ય અધિકારીઓ સમક્ષ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગરહવેલીના મુખ્ય નિર્વાચન અધિકારીઓ અને સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાર નોંધણી, મતદાન મથકો પર આવશ્યક પ્રાથમિક સુવિધાઓ અને મૅનપાવરની જરૂરિયાત અને ઉપલબ્ધતા વિશે પણ ઇલેકશન કમિટીની ટીમને માહિતગાર કરવામાં આવ્યા.
લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી પંચની ટીમે તમામ મુખ્ય નિર્વાચન અધિકારીઓને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ક્ષતિરહિત મતદારયાદી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
આ ઉપરાંત સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન દ્વારા મતદાન વધારવા વિવિધ કાર્યક્રમો, વિવિધ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ, ચૂંટણી ખર્ચ વ્યવસ્થાપન અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને સ્ટાફને તાલીમ તથા સુસજ્જતા કેળવવા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
મહિલાઓ, યુવાનો, વરિશ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, ત્રીજી જાતિના લોકો અને અતિ સંવેદનશીલ આદિવાસી જુથોની મતદારયાદીમાં સમાવેશકતા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. વધુમાં ટીમ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન રાજકીય પક્ષો તેમજ અન્ય સ્ટેક હોલ્ડર સાથે પરામર્શ કરવા ભાર આપવામાં આવ્યો. SS3SS