અમદાવાદના જાણીતા પબ્લીકેશન હાઉસ સાથે સેલ્સમેને 30 લાખની છેતરપિંડી કરી
સેલ્સમેને રૂ.ર૯.૮૦ લાખની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો-સ્કૂલ અને બુક સ્ટોલ પરથી આવેલા ઉઘરાણીના રૂપિયા સેલ્સમેને પોતાની પાસે રાખ્યા હતા
(એજન્સી)અમદાવાદ, ભાવિક પબ્લિકેશન સાથે કર્મચારીએ ર૯.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવયો છે. સોલા વિસ્તારમાં રહેતા અને જાણીતી કંપની ભાવિક પબ્લિકેશનના ડાયરેકટર પુલકિત પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ભાવનગર ખાતે આવેલા માનસપાર્કમાં રહેતા મહેશ પરમાર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે.
ભાવિક પબ્લિકેશનમાં વર્ષ ર૦૧૩થી ભાવનગર ખાતે રહેતા મહેશ પરમાર સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. જેમણે લાખો રૂપિયાનું ચીટિંગ કર્યું છે. મહેશ પરમારનું કામ ભાવનગર જિલ્લામાં આવેલી સ્કૂલોમાંથી પુસ્તકો પ્રિન્ટ કરવા તથા વેચાણનો ઓર્ડર લેવા તેમજ પેમેન્ટનું કલેકશન કરવાનું હતું. ભાવનગર જિલ્લાની વિવિધ સ્કૂલ તેમજ બુક સ્ટોલના સંચાલકોએ ચોપડા તેમજ સાહિત્ય ની ખરીદી કરી હતી જેના બિલો પુલકિત પટેલે મહેશને આપ્યા હતા.
તેમને સ્કૂલ અને બુક સ્ટોલ પરથી કુલ ર૯.૮૦ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. મહેશ પરમારે પોતાની ખોરી નિયત બતાવી હતી અને ભાવનગર જિલ્લામાંથી ર૯.૮૦ લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. મહેશ પરમારે આ રૂપિયા ભાવિક પબ્લિકેશનમાં જમા કરાવવાની જગ્યાએ પોતાની પાસે રાખ્યા હતા. આ સિવાય મહેશ પરમારે ભાવિક પબ્લિકેશનના ખોટા બિલ બનાવીને પણ ઠેર ઠેર ઉઘરાણી કરી હતી.
ભાવિક પબ્લિકેશનના કર્મચારીઓ તેમજ ડાયરેકટર દ્વારા રૂપિયા આપવાની વાત કરતાં તેણે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. ડાયરેકટર પુલકિત પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં મહેશ પરમાર વિરૂદ્ધ અરજી કરી હતી જેમાં તેની અટકાયત કરવામાં આવી હતી. બન્ને વચ્ચે પોલીસ સ્ટેશનમાં સમાધાન થયું હતું જ્યાં મહેશ પરમારે રર લાખ રૂપિયા આપવાનું કહીને સમાધાન કર્યું હતું.
રર લાખ રૂપિયા આપવાની બાંહેધરી આપતી એક નોટરી પણ મહેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી. મહેશ પરમારે અંતે રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં પુલકિત પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.