મટોડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, સગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે આનંદની ક્ષણ હોય છે. પણ તે યાદગાર ત્યારે જ રહે જ્યારે માતા અને ગર્ભસ્થ શિશુ તંદુરસ્ત હોય. ભારત સરકારના નીતિ આયોગના મુખ્ય સૂચકોમા માતા અને બાળમરણ મુખ્ય છે. જેનો દર નીચે લાવવામાં સગર્ભાવસ્થા દરમિયાનની કાળજી અને તબીબી તપાસ મુખ્ય છે. જે અંતર્ગત તારીખ ૨૧-૩-૨૩ ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની પ્રેરણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ખેડબ્રહ્માની સમગ્ર ટીમ દ્વારા મટોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના અંતરિયાળ વિસ્તારની જાેખમી સગર્ભા માતાઓની ખાનગી અને સરકારી સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા તપાસણી ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સગર્ભા માતાઓનું વજન, ઊંચાઈ, લેબોરેટરી તપાસ, એએમસી પ્રોફાઈલ, હિમોગ્લોબીન, યુરિન, આલ્બયૂમીન તપાસ, સિકલ સેલ ની તપાસ કરી જરૂરી સારવાર જેવીકે ઓછા લોહી વાળી બહેનોને આયર્ન સુક્રોઝ તેમજ અન્ય જરૂરી સારવાર સલાહ આપવામાં આવી. આ તમામ માતાઓ પૈકી દાંતની સારવારની જરૂરિયાત વાળી ૪૫ બહેનોને દાંતના ડોક્ટર દ્વારા પણ સારવાર આપવામાં આવેલ. તદુપરાંત ઉપરાંત તમામ સગર્ભા માતાઓને એક કિલો મગ, એક કિલો ચણા અને એક કિલો ખજૂરની કીટ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ દ્વારા વિતરણ કરવામાં આવેલ. કેમ્પના સ્થળે તમામ સગર્ભા માતાઓને નાસ્તો અને જમવાનું અત્રેથી ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતું. આ કામગીરીમાં તાલુકાના મેડિકલ ઓફિસર અને તાલુકાના આરોગ્ય સ્ટાફ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મટોડા ના સ્ટાફ દ્વારા કેમ્પની સફળ બનાવેલ.