Western Times News

Gujarati News

સુરતમાં સાત વર્ષની બાળકી પર હડકાયેલા શ્વાનનો ઘાતક હુમલો

સુરત,  સુરત શહેરમાં અનેકવાર શ્વાનના આતંકની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એકવાર એક બાળકી શ્વાનનો શિકાર બની છે. મહત્ત્વનું છે કે, અનેકવાર પાલિકામાં આ મામલે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેને કારણે સુરતવાસીઓને ભોગવવું પડતું હોય છે.મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હંસ સોસાયટીમાં એક સાત વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી.

ત્યારે સોસાયટીમાં રખડતા એક શ્વાને અચાનક તેના પર હુમલો કર્યો હતો અને બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. બાળકીના દાદી આ જાેતાં જ દોડી જાય છે અને બાળકીને શ્વાનના મોઢામાંથી છોડાવે છે. ત્યારે હડકાયેલું કૂતરું દાદી પર પણ હુમલો કરે છે અને પછી ભાગી જાય છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તેના સીસીટીવી સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, બાળકીના મોઢાના ભાગ સહિત અનેક ભાગમાં હડકાયેલા કૂતરાંએ બચકાં ભરી લીધા છે. ત્યારે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી. તેને લઈને મહાનગરપાલિકાની શ્વાન પકડવાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રખડતા શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે જે શ્વાને હુમલો કર્યો હતો તેને પકડવા જતા તેનું મોત નીપજ્યું હતું.

સુરતના વરાછાની આ ઘટના લાલબત્તી સમાન છે. તેને લઈને તંત્રના અધિકારીઓ હરકતમાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ ખાતાના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે, વરાછાની ઘટના બાદ તાત્કાલિક ત્રણ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને ત્રણ જેટલા રખડતા શ્વાનને પકડી લેવામાં આવ્યાં છે. હાલ આ શ્વાનના રસીકરણ અને ખસીકરણની તજવીજ હાથ ધરવામાં આવી છે.

છેલ્લા એક વર્ષમાં પાલિકાની ટીમે ૭૫૦૦માંથી ૬૮૦૦ રખડતા શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કર્યું છે. દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં ૩૦ જેટલા શ્વાનનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાંથી ફરિયાદ મળી છે ત્યાં કાર્યવાહી કરવા માટે ટીમ મોકલી દેવામાં આવી છે. આ સાથે જ શ્વાનના વર્તનમાં પણ ફેરફાર જાેવા મળી રહ્યા છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.