Western Times News

Gujarati News

અમદાવાદમાં દશેરાથી ઉત્તરાયણ સુધી શોપિંગ ફેસ્ટિવલની ઉજવણી થશે

File

શોપિંગ ફેસ્ટિવલ દરમ્યાન કાર્નિવલ, ફ્‌લાવર શો, બુક ફેર સહિતના કાર્યક્રમોનું આયોજન થશેઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતના પ્રથમ હેરીટેજ શહેર અમદાવાદને ગુજરાતની આર્થિક રાજધાની માનવામાં આવે છે. ગુજરાત તથા અમદાવાદના વેપારીઓને પ્રોત્સાહન મળે, દેશભરના વ્યવસાયો, કલાકારો, કારીગરો અને કારીગરોના વિકાસ માટે યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવા, પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ અમદાવાદ શહેરને વિશ્વ ફલક પર વિશિષ્ટ ઓળખ મળે તેવા ઉમદા હેતુસર ગુજરાત સરકારના વિવિધ વિભાગો

અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા દુબઈ, સિંગાપુર, હોંગકોંગ તથા અન્ય દેશોના શોપિંગ ફેસ્ટીવલની તર્જ ઉપર ચાલુ વર્ષે તા.૧૨.૧૦.૨૦૨૪ થી તા.૧૪.૦૧.૨૦૨૫ સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ-૨૦૨૪નું આયોજન કરવામાં આવશે. શોપિંગ ફેસ્ટિવલમાં ગ્રાહકોને ૧૦ થી ૫૦ ટકા સુધી વળતર મળી રહેશે.

શોપિંગ ફેસ્ટીવલનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદને ખરીદીના શોખીનો માટે એક મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કરવાનો, ગ્રાહકોને તથા વેપારીઓને જોડવાનો તથા ગ્રાહકોને સારી અને ટકાઉ વસ્તુઓ ઓછા ભાવે મળી રહે તે છે.આમ, અમદાવાદમાં દશેરા થી ઉત્તરાયણ સુધી ફેસ્ટિવલ નો માહૌલ રહેશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને ડે. મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે , અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલની ઉજવણી માટે જ્યાં સૌથી વધારે લોકો તહેવારો દરમ્યાન ખરીદી કરવા માટે આવતા હોય છે તેવા વિસ્તારો જેવા કે, સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રીટ અને નરોડા, કાંકરીયા રામબાગ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.

આ દરેક જગ્યાઓ પર લોકોના મનોરંજનના હેતુસર ફુડ ઝોન, શોપિંગ અને આર્ટીઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવીટી ઝોન, સ્પોર્ટસ ઝોન અને ગેમ ઝોન ઉભા કરવામાં આવશે. ઉપરાંત, સાબરમતી રીવરફન્ટ, માણેક ચોક, ગુર્જરી બજાર, લો ગાર્ડન, સાયન્સ સીટી, વસ્ત્રાપુર, પ્રહલાદનગર રોડ અને અમદાવાદ શહેરના વિવિધ શોપિંગ મોલ્સને જોડવામાં આવશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલના બહોળા પ્રચાર-પ્રસાર અર્થે અમદાવાદ શહેરમાં વ્યુહાત્મક જગ્યાઓ પર થીમ આધારીત બ્રાન્ડીંગ કરવામાં આવશે અને વિશેષ પ્રકારની લાઈટીંગથી શણગારવામાં આવશે. ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમયગાળા દરમ્યાન આયોજીત થનાર ફુડ ફેસ્ટીવલ, લાઈટ ફેસ્ટીવલ, બુકફેર, કાંકરીયા કાર્નિવલ તથા ફ્‌લાવર શાની ઉજવણી પણ અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલના ભાગરુપે કરવામાં આવશે.

શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લીધો ન હોય તેવા વેપારીઓ પણ વળતર આપી શકશે. ઓક્ટોબર થી ફેબ્રુઆરી સુધી વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં આવતા હોય છે તેથી તેમને પણ શોપિંગ ફેસ્ટિવલ નો લાભ મળી શકશે.

શોપિંગ ફેસ્ટીવલનો કુલ ખર્ચ રૂ.૧પ કરોડ થશે જે પ્રારંભિક તબક્કે કોર્પોરેશન ભોગવશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનો શુભારંભ માનનીય મુખ્યમંત્રીના ઘ્‌વારા કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.