ઈન્ડિયામાં ભાગલાના સંકેત, કેજરીવાલ બાદ મમતા પણ આડા ફાટ્યા
નવી દિલ્હી, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગે તેમ છે. એક તરફ કેજરીવાલે પંજાબની તમામ ૧૩ સીટો પર આપના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે ટીએમસી નેતા મમતા બેનરજીએ ઉદારતા રાખી કોંગ્રેસને બે સીટો ફાળવવા સૂચન કર્યું છે.
આવતીકાલે ૧૯ ડીસેમ્બરે ઇંડિયા ગઠબંધનની ચોથી મીટીંગ અહીં દિલ્હીમાં મળવાની છે. જેમાં સીટ શેરિંગ અંગે ચર્ચા કરવાના ઇરાદાથી મમતા જવાના છે. ટીએમસીના સૂત્રો પ્રમાણે મમતા કોંગ્રેસ માટે માલદા અને બહરામપુર સીટો છોડવા તૈયાર છે. જાે કે ‘દીદી’એ આ અંગે કશું કહેવાનો ઇન્કાર કર્યો છે.
દિલ્હી જતી ફ્લાઇટ પકડતા પહેલા તેમણે પત્રકારોને કહ્યું હતું કે, ‘હું હજી સીટ શેરિંગ અંગે કશું કહી શકું નહી ૧૯ ડીસે.ની મીટીંગ પછી તમને ખબર પડશે. જાે કે, તેમના પક્ષે બે સીટો છોડવાનો સંકેત આપ્યો હતો.
ટીએમસીએ જે બે સીટો છોડવાનો સંકેત આપ્યો છે તેમાં એક અધીર રંજન ચૌધરીની બહરામપુર સીટ છે, મુર્શીદાબાદ જિલ્લાની આ સીટ ઉપર સૌથી વધુ ૬૬ ટકા મુસ્લિમ વસ્તી છે ત્યાંથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી ૧૯૯૯થી સતત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.’
આ ઉપરાંત બાજુના માલ્દા જિલ્લાની ‘સાઉથ માલ્દા’ સીટ કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યાંથી કોંગ્રેસના સાંસદ અબુ હાસિમખાન ચૌધરી છે. તેઓ ૨૦૦૯થી સતત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ બંને સીટો ઉપર ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસે વિજય પ્રાપ્ત કર્યો છે.
આથી આ નિમિત્તે ટીએમસી તે બે સીટો કોંગ્રેસને ઑફર કરે તે સંભાવના દેખાય છે. મમતા બેનરજીએ પહેલેથી આ પ્રકારના સંકેતો આપતા કહ્યું હતું , અન્ય સીટો ઉપર અમે મજબૂતીથી લડીશું અને આપ અમારું સમર્થન કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ સામે લડવા માટે તેના ઉમેદવારોની સામે અમે (ઇંડિયા ગઠબંધન) એક સર્વ-સંમત ઉમેદવાર ઉભો રાખીશું અમે આ રણનીતિ પર કામ કરી રહ્યા છીએ, કરતા રહેવું પણ પડશે.
દીદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોને મહત્ત્વ આપવું જાેઈએ. જે રાજ્યમાં જે પ્રાદેશિક પક્ષ મજબૂત હોય તેને વધુ બેઠકો ફાળવવી પડશે.નિરીક્ષકો કહે છે કે, આ સાથે કોંગ્રેસની ચિંતા વધી જશે. માત્ર બે જ સીટો સ્વીકારવીતે કોંગ્રેસને પચે તેવી વાત નથી. કોંગ્રેસ પોતાની જમીન મજબૂત કરવા માંગે છે.
ટીએમસીના એક નેતાએ કહ્યું હતું કે, દીદી સીધે સીધું જ સોનિયા અને રાહુલ ગાંધીને કહી દેશે કે તમને બે જ સીટો ફાળવવામાં આવશે તે લઈ લે. આ ઉપરાંત તેઓ અભિષેક મનુ સિંઘવીને માર્ચ- એપ્રિલમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં સમર્થન આપવાની પણ ઓફર કરશે. ૨૦૧૮માં પણ અભિષેક મનુસિંઘવી કોંગ્રેસના સમર્થનથી જ તે સમયની ચૂંટણી જીત્યા હતા. SS2SS