વડોદરામાં શ્રીનાથધામ હવેલી અને નરહરિ હોસ્પિટલના નવા બિલ્ડીંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે, પૂર્વ વિસ્તાર પણ તેમાં પાછળ નથી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
સંસ્કૃતિનો ગર્વ કરીને વિકાસ અને વિકાસની રાજનીતિથી સતત આગળ વધવાનું છે: મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડીયા રોડ સ્થિત રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી શ્રીનાથધામ હવેલી અને નરહરિ હોસ્પિટલના નવા બિલ્ડીંગ પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. મુખ્ય મંત્રી શ્રી પટેલ ‘હોલી રસિયા સંગ ફૂલ ફાગ’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિરાસત ભી, વિકાસ ભી’ના સૂત્રનું ઉચ્ચારણ કરીને સંસ્કૃતિના ગર્વ સાથે વિકાસ અને વિકાસની રાજનીતિથી સતત આગળ વધવા જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરાનો સતત વિકાસ થઈ રહ્યો છે, ત્યારે તેમાં શહેરનો પૂર્વ વિસ્તાર પણ પાછળ નથી રહ્યો. વડોદરાને રૂ. ૮૭૩ કરોડના વિકાસકાર્યોની ભેટ આજે આપી છે, તેમાં વડોદરાના પૂર્વ વિસ્તારને પણ વિકાસ પ્રકલ્પની ભેટ મળી છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશ અને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યો છે અને વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ ઘર સુધી પહોંચાડ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા તો લોકોને સરકારી યોજનાઓ અને તેનો લાભ કેવી રીતે મેળવવો, તેની ખબર પણ ન હતી, તેના બદલે હવે સરકાર ગરીબલક્ષી અને કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડી
રહી છે.
આ પ્રસંગે શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારે આર્શીવચનો આપીને નરહરિ હોસ્પિટલની નવી બિલ્ડીંગથી લોકસેવાની અમૂલ્ય તક મળશે તેમ જણાવ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી હવેલીના નિર્માણથી ભારતીય સનાતન સંસ્કૃતિનું પણ વહન થશે. ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સર્વો શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડીયા, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેતનભાઈ ઈનામદાર, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી અક્ષય પટેલ, અગ્રણી ડો. વિજયભાઈ શાહ, શ્રી સતીષભાઈ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, વૈષ્ણવ સંપ્રદાયના ભાઈઓ-બહેનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.