નાગરીકોના ખોવાયેલ, ચોરાયેલ, કબ્જે લીધેલ મુદ્દામાલને પરત સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો

રૂ.૧૬.૯૦ લાખનો મુદ્દામાલ ૩૦ ભોગ બનનારને પરત અપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સૂરત સીટી પોલીસ બાદ ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત નડિયાદ ડિવિઝનમાં ખોવાયેલ, ચોરાયેલ, કબ્જે લીધેલ મુદ્દામાલને ભોગબનનારને પરત સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે કોર્ટની ઝડપી પ્રોસેસને પૂર્ણ કરી આ મુદ્દામાલ ભોગ બનનાર સુધી પહોચાડ્યો છે. આ ખાસ કાર્યક્રમમાં ૧૬.૯૦ લાખનો મુદ્દામાલ ૩૦ ભોગ બનનારને પરત અપાયો છે.
નડિયાદમાં પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે આજે બુધવારે ખેડા જિલ્લા પોલીસ વિભાગ નડિયાદ ડિવિઝન દ્વારા આયોજિત ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. નાગરીકોની સલામતી અને જિલ્લામાં કાયદો, વ્યવસ્થા જળવાય રહે તે દિશામાં સતત પ્રયત્નશીલ જિલ્લા પોલીસ દ્વારા સૌપ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો છે.
જેમાં નડિયાદ ડિવિઝનમાં ખોવાયેલ, ચોરાયેલ, કબ્જે લીધેલ મુદ્દામાલને કોર્ટની ઝડપી પ્રોસેસથી પરત સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી.આર.બાજપાઈ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૩૨ આર્ટીકલ્સ ૧૬ લાખ ૯૦ હજાર ૫૦૦નો મુદ્દામાલ જેમાં દાગીના, વાહન વિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૦ ભોગબનનારને હાજર રાખી આ મુદ્દામાલની સોંપણી કરવામાં આવી હતી. પરત મળેલ મુદ્દામાલ મેળવી અરજદારોએ પોલીસ અને ન્યાય પાલિકાનો ઝડપી કાર્યવાહી બદલ આભાર માન્યો હતો. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ ખાસ હાજર રહી જણાવ્યું કે, જિલ્લા પોલીસે સૂરત સીટી પોલીસે અગાઉ કરેલ
આ કાર્યક્રમથી પ્રેરણા મેળવી આ કાર્યક્રમ જિલ્લામા સૌપ્રથમ વખત કર્યો છે. પોલીસે ગુનાનુ સત્વરે ડીટેક્શન મેળવી અરજદારોને તેમનો મુદ્દામાલ પરત આપ્યો છે. આ તબક્કે ન્યાય પાલિકાએ પણ ઝડપી પ્રોસેસ કરી આ કેસનો નીકાલ કર્યો છે.