Western Times News

Gujarati News

પ્રમુખસ્વામી મહારાજને તેમના શતાબ્દી જન્મોત્સવે કરવામાં આવી વિશેષ ભાવવંદના

અમદાવાદ, વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તેઓના શતાબ્દી જન્મોત્સવે ભાવવંદના કરતાં અનેકવિધ કાર્યક્રમો દેશ-વિદેશમાં યોજાઈ રહ્યા છે. વિદેશના સંસદ ભવનોથી લઈને યુનાઈટેડ નેશન્સ સુધી તેના પડઘા ગૂંજી રહ્યા છે. ભારતનું ગૌરવ વિશ્વભરમાં વધારનાર આ મહાન સંતને બિરદાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી જન્મોત્સવે તા. ૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ યુનાઈટેડ નેશન્સના આંગણે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે, જેમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે અનેક દેશોના રાજદૂત-પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશથી પ્રભાવિત અનેક દેશો અહીં આ કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરશે અને પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક વ્યક્તિત્વને બિરદાવશે. ન્યુયોર્કના સમય પ્રમાણે પ્રમુખસ્વામી મહારાજની જન્મ તારીખ ૭ ડિસેમ્બરના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન આ કાર્યક્રમ યોજાશે, જેનું વિશ્વભરમાં જીવંત પ્રસારણ થશે. ઉલ્લેખનીય છે કે યુનોના ઇતિહાસમાં ૨૦૦૦માં સૌ પ્રથમવાર આયોજિત ધ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટનું આયોજન થયું હતું, જેમાં ૫૪ દેશોના ૧૮૦૦ જેટલા ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશ્વધર્મ પરિષદમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરી, વિશ્વમાં શાંતિ અને સંવાદિતા કેવી રીતે સ્થપાય તેના આશીર્વાદ અને માર્ગદર્શન પાઠવ્યાં હતાં. પ્રમુખસ્વામી મહારાજના એ આશીર્વાદ આજે પણ યુનોમાં એક ઐતિહાસિક સંબોધન ગણવામાં આવે છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં વિકસિત થયેલી અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ કાર્યરત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અનેકવિધ વૈશ્વિક લોકસેવાઓ અને રચનાત્મક પ્રવૃતિઓને કારણે યુનોની ઇકોનોમિક એન્ડ સોશ્યલ કાઉન્સિલમાં કન્સલ્ટેટિવ સ્ટેટસ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.