૧૦ વર્ષ ટકે અને વરસાદમાં ધોવાઈ ના જાય તેવા ખાસ વ્હાઈટ ટોપિંગ રોડ બનશે
અમદાવાદ, સામાન્ય વરસાદમાં પણ અમદાવાદના રસ્તા ધોવાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે, હળવો વરસાદ પડ્યા પછી સોશિયલ મીડિયાથી લઈને વિધાનસભા સુધી રસ્તાઓની ચર્ચા થવા લાગે છે અને આ કામ થતા થતા દિવાળી સુધીનો સમય લાગી જતો હોય છે.
પરંતુ હવે વરસાદથી રસ્તા ધોવાય નહીં તે માટે કાયમી સમાધાન શોધવાના પ્રયાસ કરાઈ રહ્યા છે અને તેના માટે નવી પદ્ધતિના રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં હાઈટેક વ્હાઈટ ટોપિંગ પદ્ધતિના રોડ બનાવવામાં આવશે.
માનવામાં આવે છે કે આ રસ્તા અન્ય રસ્તાઓની જેમ વરસાદમાં ધોવાઈ જઈ નહીં. રિપોર્ટ્સ મુજબ દરેક ચોમાસામાં ધોવાઈ જતા રસ્તાની હાલાકીમાંથી બહાર આવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેંગ્લોરની જેમ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
જે રસ્તા ૧૦ વર્ષ સુધી ટકી શકે છે તેવું માનવામાં આવે છે. શરુઆતમાં આ પાઈલટ પ્રોજેક્ટ પર ત્રણ રસ્તા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની પાછળ ૨૦.૩૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રકારના રસ્તા બનાવવાની કામગીરી ઝડપથી શરુ કરવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
સોમવારે કમિટીની બેઠકમાં શહેરના વરસાદમાં ધોવાતા રસ્તાની સમસ્યાનો મુદ્દો ખુલ્યો હતો જેમાં વ્હાઈટ ટોપિંગ પદ્ધતિવાળા રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે કમિટીની બેઠકમાં ડામરના વરસાદમાં ધોવાઈ જતા રસ્તાની સમસ્યા દૂર કરવા માટે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે.
આ રોડ બનાવવા માટે સિમેન્ટની સાથે અન્ય કેટલીક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તે વરસાદમાં ધોવાઈ જતા નથી અને લગભગ ૧૦ જેટલા વર્ષો સુધી તેનું આયુષ્ય રહે છે. બેંગ્લોરમાં કે જ્યાં આ પદ્ધતિના રોડ બન્યા છે તેનો પણ અભ્યાસ કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ ખાસ પદ્ધતિવાળા કે જે વર્ષો સુધી ટકે તેવા રોડ શરુઆતમાં શહેરમાં ત્રણ જગ્યાએ બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળથી તીર્થનગર સોસાયટી સુધી તથા સ્ટર્લિંગ હોસ્પિટલ અને મહારાજા અગ્રસેન સ્કૂલવાળા રોડ પર અને પૂર્વ વિસ્તારમાં ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાના ચાર રસ્તા તેમજ ઈસનપુર આલોક સોસાયટીથી સિદ્ધિ બંગ્લા સુધી આ પ્રકારના રોડ બનાવવામાં આવશે.
આ સાથે હવે શહેરમાં જે પણ રોડ બનશે તેના પર પાણી ભરાઈ ના રહે તેવી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કારણ કે જે રોડ પર ઢાળ ના હોય તેના લીધે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે અને આ સમસ્યાના લીધે રોડનું ધોવાણ શરુ થઈ જતું હોય છે. કમિટીની બેઠકમાં શહેરમાં રોડ અને બિલ્ડિંગના રૂપિયા ૧૦૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રસ્તાના રિંપેરિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.SS1MS