Western Times News

Gujarati News

પૂરઝડપે આવતી કાર છાપરામાં ઘુસી, માતા અને બે સંતાનોના મોત

પરિવાર માછલી વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. -આ દુઃખદ ઘટનામાં મૃતક કરિશ્માને સાત માસનો ગર્ભ હતો,

(એજન્સી)મહેસાણા, સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ નજીક પુલના છેડે છાપરું બાંધીને પોતાનાં બાળકો સાથે માછલીનું વેચાણ કરતી મહિલા પર બેફામ ચાલકે પોતાની કાર બેદરકારીપૂર્વક હંકારી સીધી છાપરામાં ઘુસાડી દેતા માતા સહિત કુલ ચાર લોકોને હડફેટે લીધા હતા. સમગ્ર અકસ્માતમાં માતા અને તેના બે સંતાનોમાં મોત નીપજ્યાં છે.

જ્યારે એક બાળકીને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જનાર ગાડી પણ રોડની સાઈડમાં ઊતરી જતા ઇજાગ્રસ્ત કારચાલકને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો.

મૂળ રાજકોટના અને છેલ્લાં ૩૦ એક વર્ષથી મહેસાણા જિલ્લાના ધરોઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર માછલી વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જે પરિવારનાં ગીતાબેન વાઘેલા પોતાના પુત્ર આકાશ, દીકરી કરિશ્મા અને બીજી દીકરી કિંજલ આમ ચાર લોકો ધરોઈ નદી કિનારે આવેલા પુલ નજીક છાપરું બાંધીને માછલીનો વ્યાપર કરી રહ્યા હતા.

આ દરમિયાન ત્યાં (ય્ત્ન-૦૨-ઝ્રઁ-૨૭૮૯) નંબરની આઈ-૧૦ કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઇ બેસતા માછલી વેચતા પરિવારના છાપરામાં કાર ઘુસાડી દીધી હતી. કાર છાપરામાં ઘૂસી જતા ત્યાં માછલી વેચવા બેઠેલા પરિવારના મોભી ગીતાબેન, પુત્ર આકાશ, દીકરી કરિશ્મા અને કિંજલ પર ગાડી ફરી વળતા છાપરામાં મોતની ચિચિયારીઓઓ ગુંજી ઊઠી હતી.

ઘટનાની જાણ નજીકમાં રહેતા ભાઈને થતા તાત્કાલિક લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. જ્યાં અકસ્માત સર્જનાર કાર રોડની સાઇડમાં ઊતરી જતાં સ્થાનિકોએ કારચાલકને ઝડપી લીધો હતો.

સ્થાનિકોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ મારફતે સતલાસણા અને વડનગર અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ૫૦ વર્ષીય ગીતાબેન, ૧૩ વર્ષીય દીકરો આકાશ અને ૩૦ વર્ષીય દીકરી કરિશ્માનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત ૧૫ વર્ષીય કિંજલ હાલ સારવાર હેઠળ છે.

આ દુઃખદ ઘટનામાં મૃતક કરિશ્માને સાત માસનો ગર્ભ હતો, તે પોતાની માતાના ઘરે રહેતી હતી અને માતાને માછલીઓના વ્યાપારમાં મદદ કરતી હતી. જેનું પણ મોત થતાં તેના પેટમાં રહેલું માસૂમ દુનિયા જુએ તે પહેલાં જ ભગવાનને વહાલું થઇ ગયું છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજતા પરિવાર વિખેરાઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.