સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં આટલા રૂપિયાથી વધુ નહીં રાખી શકે
(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહેલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન ચૂંટણી પંચે એ પણ નક્કી કર્યું છે કે, સ્ટાર પ્રચારકો પાસે ૧ લાખ રૂપિયાથી વધુ રોકડ ન હોવી જોઈએ.
ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા છે. એ જ રીતે ્સ્ઝ્ર સુપ્રીમો મમતા બેનર્જી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકોનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે, કોઈપણ સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં ૧ લાખ રૂપિયા સુધી રાખી શકે છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોઈપણ પક્ષનો ઉમેદવાર પોતાના ખિસ્સામાં ૫૦ હજાર રૂપિયાથી વધુ નહીં રાખી શકે અને તેના માટે પ્રચાર કરવા આવેલા સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં ૧ લાખ રૂપિયાથી વધુ નહીં રાખી શકે. જો નિર્ધારિત રકમ કરતાં વધુ રકમ વસૂલવામાં આવશે તો ચોક્કસપણે રકમ જપ્ત કરવામાં આવશે. તેમજ તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.