સુરત ડાયમંડ બુર્સ પાસે કાર પલ્ટી ખાતા એક વિદ્યાર્થીનીનું મોત
સુરત, સુરતમાં ગુરુવારે સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સુરત ડાયમંડ બુર્સ નજીક સચિન મગદલ્લા હાઇવે ઉપર એક કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર એક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૩ વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ હોઈ તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા. અલથાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતની પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના છેવાડે સચિન મગદલ્લા હાઇવે ઉપર ડાયમંડ બુર્સ નજીકથી પસાર થતી વિદ્યાર્થીઓની એક કાર પલટી મારી ગઈ હતી.
અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી. ચાર મિત્રો હ્યુન્ડાઈ ક્રેટા કારમાં એક સાથે ડ્રાઈવ કરવા નીકળ્યા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૧૭ વર્ષની દિશા જૈન નામની એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું. અન્ય ત્રણ વિદ્યાર્થીઓને પણ ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે હાજર લોકોએ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં એસીપી, ડીસીપી,કક્ષાનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે વિદ્યાર્થિનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર કેવી રીતે પલટી મારી? અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે? આ હકીકત જાણવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
મૃતક વિદ્યાર્થિની દિશા જૈન ઉધનાની સમિતિ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ઇજાગ્રસ્તોમાં અગ્રવાલ વિદ્યા વિહારનો ૧૬ વર્ષીય શૌર્ય શર્મા, ભગવાન મહાવીર કોલેજમાં ભણતો ૮ વર્ષીય રાહુલ ચૌધરી કાર ચલાવતો હતો. ચોથો વિદ્યાર્થી દિલ્હી પબ્લિક સ્કૂલનો ૧૭ વર્ષીય સાહિલ બાવા (સાહેદ) સામેલ છે. અલથાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS