ગુરશમન સિંહ ભાટિયા નામનો સ્ટુડન્ટ પૂર્વ લંડનમાંથી ગુમ થયો
વિદેશમંત્રી જયશંકરને મદદ માટે વિનંતી કરાઈ
(એજન્સી)નવી દિલ્હી, ભારતનો એક શીખ વિદ્યાર્થી તાજેતરમાં યુકેમાં લાપતા થઈ ગયો છે અને તેનો કોઈ પતો મળતો નથી. તેના કારણે આ વિદ્યાર્થીના હેરાન પરેશાન થઈ ગયેલા પરિવારે વિદેશમંત્રી એસ જયશંકરની મદદ માંગી છે. ગુરશમન સિંહ ભાટિયા નામનો સ્ટુડન્ટ ૧૫ ડિસેમ્બરે પૂર્વ લંડનમાંથી ગુમ થઈ ગયો છે અને તેનો કોઈ અતોપતો મળ્યો નથી.
આ સ્ટુડન્ટ લોફબોરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ભાજપના દિલ્હી સ્થિત નેતા મનજિંદર સિંહ સિરસાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને જણાવ્યું છે કે શીખ યુવાનને શોધવા માટે પ્રયત્નો ચાલે છે અને વિદેશમંત્રી એસ. જયશંકરની પણ મદદ માંગવામાં આવી છે. આ ઉપરાંત લોફબોરો યુનિવર્સિટી અને ભારતીય હાઈ કમિશનને પણ આ વિશે અરજી કરવામાં આવી છે કે આ સ્ટુડન્ટને શોધવામાં મદદ કરવામાં આવે.
છેલ્લે આ વિદ્યાર્થી પૂર્વ લંડનના કેનારી વ્હાર્ફમાં જોવામાં આવ્યો હતો. આ સ્ટુડન્ટ બે વર્ષની રેસિડન્ટ પરમિટ પર અહીં આવ્યો હતો અને બીજી જૂન ૨૦૨૪ના તેની ટર્મ પૂરી થવાની હતી. પરંતુ આ અગાઉ જ તે ગુમ થઈ ગયો છે. ગુરશમન સિંહ ભાટિયા જે લોફબોરો યુનિવર્સિટીમાં ભણતો હતો તે યુકેમાં લેસ્ટરશાયરમાં આવેલી છે અને અહીં દુનિયાભરના ૧૮૦૦૦ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીની રેસિડન્સ પરમિટ અને કોલેજના આઈટેન્ટિફિકેશન કાર્ડનો ફોટો પણ મૂક્યો છે.
તેમણે જણાવ્યું કે એક ભારતીય વિદ્યાર્થી ગુમ હોવાના અહેવાલ મળ્યા છે અને કોઈ પાસે તેની માહિતી હોય તો બે અલગ અલગ નંબર પર કોલ કરી શકે છે. ભારતના વિદ્યાર્થી સાથે યુકેમાં ખરાબ ઘટના બની હોય તેવું તાજેતરમાં આ બીજી વખત થયું છે. થોડા સમય અગાઉ નવેમ્બર મહિનામાં ૨૩ વર્ષીય એક ભારતીય સ્ટુડન્ટ મિત કુમાર પટેલનો મૃતદેહ લંડનની થેમ્સ નદીમાંથી મળી આવ્યો હતો. મિતકુમાર સપ્ટેમ્બરમાં હાયર એજ્યુકેશન માટે યુકે આવ્યો હતો અને ૧૭ નવેમ્બરથી ગુમ થઈ ગયો હતો. મિત કુમારના મોત પાછળ કોઈ શંકાસ્પદ કારણો નથી જણાતા તેમ લંડન પોલીસે જણાવ્યું હતું.