ખેડૂતનો જીવામૃતનો સફળ પ્રયોગઃ એક નાળિયેરી ઉપર ૧૭૩ નાળિયેર આવ્યા
આહવા ખાતે ખેડૂતો અને NGO સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરતા રાજ્યપાલ
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે એક ભણેલા ખેડૂતને માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ આપી તેના દ્વારા દસ ગામોના ખેડૂતોને, અને તેવી રીતે જિલ્લાના ૩૧૧ ગામો માટે ૩૦ જેટલા માસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતોને જાગૃત કરી સમગ્ર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં કાર્ય કરવાની હિમાયત કરતાં રાજયપાલશ્રી
આહવા ખાતે ડાંગ દરબારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમ બાદ જિલ્લાના મુખ્ય મથક આહવા સરકીટ હાઉસ ખાતે જિલ્લાના ખેડૂતો, એન.જી.ઓ. અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી ઉપસ્થિત સર્વેને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટેના કાર્યના વાહક બનવા અનુરોધ કર્યો હતો.
આ પરિપ્રેક્ષ્યમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતુ કે, અહીંના આદિવાસીઓ પહેલેથી જ પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની સાથે જિલ્લાના તમામ ગામના ખેડૂતો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે તેમને જાગૃત કરવા ડાંગ જિલ્લોના શિક્ષિત ખેડૂતોને માસ્ટર ટ્રેનર તરિકેની તાલીમ આપી તેમના દ્વારા દસ ગામના ખેડૂતોને જાગૃત કરવા
અને તે મુજબ જિલ્લાના ૩૧૧ ગામો માટે ૩૦ જેટલા માસ્ટર ટ્રેનર ખેડૂતોને તૈયાર કરી સમગ્ર જિલ્લાના ૧૦૦ ટકા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટેના કાર્યમાં સૌએ સહભાગી બની કાર્ય કરવું પડશે.
તેમણે માસ્ટર ટ્રેનર ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની નક્કર આયોજન સાથે પધ્ધતિસરની તાલીમ આપવાની સાથે સાથે ઘનામૃત, જીવામૃત કેવી રીતે બનાવવું અને તેના ઉપયોગથી થતા ફાયદા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવા પણ જણાવ્યું હતું. આ માટે દરેક ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવા, તેના વિડિયો લેવા અને તે માટેના જરૂરી રજીસ્ટર નિભાવવા બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન રૂપે કાર્ય કરી આ માટે ખેડૂત સંમેલન સહિતના લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ ઉપર ભાર મૂકયો હતો.
આ સંવાદમાં સોડમાળના સુરેશભાઇ કાળુભાઈ ગાઈને તેમની નાળિયેરની ખેતીમાં જીવામૃતના સફળ પ્રયોગની વાત કરી જીવામૃતના પ્રયોગ બાદ તેમને ત્યાં એક નાળિયેરી ઉપર ૧૭૩ નાળિયેર આવ્યા હોવાનું જણાવી જીવામૃતનો પ્રયોગ ખૂબ સફળ રહયો હોવાનું જણાવ્યું હતુ.
આ બેઠકમાં સાંસદશ્રી કે.સી.પટેલ, નાયબ દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, કલેકટરશ્રી વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષકશ્રી રવિપ્રસાદ, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર સંજય ભગોરિયા સહિત ખેડૂતો, એન.જી.ઓ.ના પ્રતિનિધિશ્રીઓ તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.